યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સદભાવના કાર્યક્રમ વિરુદ્ધ કોંગ્રેસ પક્ષમાં પણ જાણે મોડે...મોડે...સદભાવના જાગી હોય તેવી પરિસ્થિતિ સજૉઇ છે. જ્યાં ગુરુવારે સાંજે અંબાજી શહેર કોંગ્રેસના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.
અંબાજીમાં યોજાનાર સદભાવના કાર્યક્રમ વિરુદ્ધ કોંગી દ્વારા સમાંતર કાર્યક્રમ યોજવા માટે પણ કોંગ્રેસ જૂથમાં ઠાગા ઠૈયા જ જોવા મળ્યા છે. કોંગ્રેસના સમાંતર કાર્યક્રમ માટે હજુ સુધી શમીયાણો પણ શુક્રવાર સાંજ સુધી બંધાયો નથી. અંબાજીમાં છેલ્લા પંદર વર્ષથી શહેર કોંગ્રેસના પ્રમુખ, મહામંત્રી કે મંત્રીની વારંવાર માગણીના અંતે પણ નિમણૂંક કરવામાં આવી નથી. ત્યારે મોડે મોડે કોંગીઓને સુરાતન ચડ્યું અને ગુરુવારે સાંજે અંબાજી ખાતે એક કાર્યક્રમની તૈયારીની રૂપરેખા નક્કી કરવા બેઠક યોજી હતી.
જોકે સાંસદ મુકેશ ગઢવી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. પરંતુ જિલ્લા કોંગ્રેસ પ્રભારી ચમનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાદરસિંહ વાઘેલા, જિ.પં.પ્રમુખ દલસંગ પટેલ સહિતના કોંગી આગેવાનોની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં ૭૦ જેટલા કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને વર્ષોના વહાણા બાદ અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જીતુભાઇ મહેતા, ઉપપ્રમુખ મુકેશભાઇ સી.દરબાર, ઉપપ્રમુખ કાનજી વણજારા, મહામંત્રી દુષ્યંત આચાર્ય, તેમજ મહામંત્રી તરીકે જયંતીભાઇ જોષી અંબાજી ગ્રામ પંચાયત ઉપસરપંચ અને યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે સંજય શર્માની વરણી કરવામાં આવી હતી.
જોકે એકાએક કરાયેલી વરણીને લઇ કોંગી કાર્યકરોમાં આશ્ચર્ય સાથે આનંદની લાગણી જરૂર પ્રવર્તી હતી. પરંતુ બેઠકમાં સદભાવના ઉપવાસ સામે કોંગી કાર્યકરો દ્વારા સંપૂર્ણ સાદાઇથી સત્કર્મ ઉપવાસ, ભજન કતિgન અને મોદી જે પ્રજાના પૈસા વેડફી રહ્યા છે તે ન વેડફે તે માટે માતાજીને પ્રાર્થના કરવાનું નક્કી કરાયું હતું. કોંગ્રેસના સમાંતર કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહેશે. જોકે શંકરસિંહ વાઘેલાને પણ હાજર રાખવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રયત્ન હાથ ધરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.