ઇડર સ્ટેટના કુકડિયાના ઠાકોર (રાજાજી)નું ગુરૂવારે મોડીરાત્રે અવસાન થતાં શુક્રવારે તેમની નીકળેલી સ્મશાનયાત્રામાં ૧૬ ગામના અગ્રણીઓએ જોડાઇને શ્રદ્ધાંજલી આપી હતી.
કુકડિયા ઠાકોરના પુત્ર ભોજરાજસિંહના જણાવ્યા અનુસાર પિતા પ્રધ્યુમનસિંહ કરણસિંહ કુંપાવત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબીયતને કારણે પથારીવશ રહેતા હતા. પરંતુ ૬૫ વર્ષની ઉંમર થઇ હોવાને કારણે તેમનું શરીર સાથ આપતુ ન હતું. તેઓનું ગુરૂવારે મોડી રાત્રે માંદગીના કારણે નિધન થયુ હતું. ત્યારબાદ શુક્રવારે તેમની પ્રણાલિકાગત સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.
આ સ્મશાનયાત્રામાં વાંસડોલ, પૃથ્વીપુરા, અંકાલા સહિત ૧૬ ગામના અગ્રણીઓ હાજર રહી સ્મશાનયાત્રામાં જોડાયા હતા. બીજી તરફ તેઓના નિધન બદલ ગામની સ્કૂલ, પ્રાથમિક શાળા અને દવાખાનું તેમજ બજારે બંધ પાળ્યો હતો. તેમની સ્મશાનયાત્રામાં જાણીતા ગુજરાતી ચિત્રપટના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને જાણીતા લોક કલાકાર ભીખુદાન ગઢવી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.