રાજકોટની સત્ય સાંઇ હોસ્પિટલ દ્વારા રવિવારે સાબરડેરીમાં યોજાયેલ મેગા હાર્ટ કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જણાવ્યું હતું કે આપણને જે દર્દ થયું છે તેની સારવાર લીધા બાદ આપણે અન્યને મદદરૂપ થવાની પ્રવૃત્તિમાં જોડાવવું જોઇએ. સાબરડેરીમાં યોજાયેલા આ કેમ્પમાં જિલ્લાના અંદાજે ૭પ૦ જરૂરિયાતમંદોએ લાભ લઇ નિદાન કરાવ્યું હતું. જે પૈકી ૧૨પ દર્દીઓને ઓપરેશન કરાવવા માટે પસંદ કરાયા હતા.
આ પ્રસંગે વધુમાં બોલતા હાઇકોર્ટના ન્યાય મૂર્તિ કલ્પેશ ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે માણસને કોઇપણ દર્દ થાય ત્યારે તે સહન કરવાની શકિત હદ વટાવી દે ત્યારે તેને સારવાર અપાયા બાદ તેના મુખ પર જે સંતોષ દેખાય છે તે જોઇને બીજાના દર્દ માટે પણ મદદરૂપ થવાની ભાવના જો કેળવવામાં આવે તો અનેક લોકોના જીવ બચી શકે તેમ છે.
રવિવારે સાબરડેરીમાં યોજાયેલા મેગા હાર્ટ કેમ્પમાં દર્દીઓને તપાસવા માટે રૂપિયા ૧પ લાખની કિંમતના ત્રણ ઇકોટેસ્ટ મશીન લાવવામાં આવ્યા હતા. દર્દીઓનું નિદાન કરવા માટે રાજકોટ અને અમદાવાદના મળી ૩૦ ર્ડાકટરોની ટીમે આખો દિવસ રજીસ્ટ્રેશન થયેલા દર્દીઓને તપાસ્યા હતા. આ પ્રસંગે ડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકોના આર્થિક ઉત્થાન માટે માધ્યમરૂપ સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના આરોગ્યની પણ ચિંતા કરી છે. જેના પરિણામ સ્વરૂપે મેગાહાર્ટ કેમ્પનું આયોજન કરાયું છે. જિલ્લાના હૃદયરોગના કોઇપણ દર્દીને જો સારવાર માટે રાજકોટ જવું પડશે તો તેના માટે સાબરડેરી દ્વારા વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
આ પ્રસંગે સત્ય સાંઇ હોસ્પિટલના ચેરમેન કનુભાઇ પટેલ અને મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે દૂધ અને હૃદય ભેગા થાય તો અનેક દર્દ આપોઆપ મટી જાય છે. રાજકોટની સત્ય સાંઇ હોસ્પિટલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં સાબરકાંઠાના અંદાજે ૯૨ હૃદયરોગના દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરી જીવતદાન આપવામાં માધ્યમ બની છે. આ પ્રસંગે જીસીએમએમએફના એમડી આર.એસ. સોઢીએ ઉપસ્થિત લોકોને દૂધનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ, કટાર લેખક મણિભાઇ પટેલ, સાબરડેરીના ડિરેક્ટર ર્ડા.વિપુલ પટેલ, કાણિર્ડયોલોજી વાસ્ક્યુલર સર્જન વર્ષાબેન શાહ, સાબરડેરીના એમડી બી.એમ. પટેલ સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેટલા દર્દીઓના ઓપરેશન કરાશે
કેમ્પમા ૭પ૦થી વધુ દર્દીઓને નિષ્ણાત ર્ડાકટરો દ્વારા તપાસવામાં આવ્યા હતા. જે પૈકી ૧૨પ દર્દીઓને હૃદયની તકલીફ જણાતા તેમને વિનામૂલ્યે ઓપરેશન કરાવવા માટેની તારીખ ૧૪ ફેબ્રુઆરીએ રાજકોટ બોલાવાયા છે.