ગુંદરી-પાંથાવાડા હાઇવે પર સાતસણ પાટિયા પાસે શુક્રવારે સાંજના સમયે બાઇક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ ધડાકાભેર ટકરાયા બાદ રોડની સાઇડની ચોકડીમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં સવાર સાતેક વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે બાઇકસવાર બંને વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. જ્યારે પોલીસ દ્વારા મૃતકોની લાશને પાંથાવાડા ખાતે પી.એમ.માટે લઇ જવાઇ હતી.
આ અંગે પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રાજસ્થાનના મંડાર તરફથી હીરોહોન્ડા બાઇકનં. આર.જે.ર૪-એસસી-૭૦૩૧ પાંથાવાડા તરફ આવી રહ્યું હતું. જ્યારે પાંથાવાડા તરફથી મંડાર તરફ જઇ રહેલી જીપ નં.જીજે.૧૮-એ.-૪૬૫૧ વચ્ચે ગુંદરી નજીક આવેલા સાતસણ પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકના ભુક્કા બોલી ગયા હતા અને બાઇકસવાર લાખાભાઇ ઉકાભાઇ ગવારીયા તથા નટવરજી ભૂરાજીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં જીપ પલટી જતાં જીપમાં બેઠેલા સાત વ્યક્તિઓને નાની- મોટી ઇજા થતાં પાંથાવાડા સી.એસ.સી. ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગેની જાણ પાંથાવાડા પી.એસ.આઇ. પી.એ. રાવળને થતાં તેઓએ તાત્કાલિક અકસ્માત સ્થળે આવી જગ્યાનું પંચનામુ કરી બન્ને લાશને પી.એમ.માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનાને લઇ પાંથાવાડા અને મંડારપંથકમાં વાતાવરણ શોકમય બની ગયું હતું.