હિંમતનગરના પાણપુર ગામની સીમમાં એક કવોરીમાં ગુરૂવારે સવારે ધડાકો થતાં એક મજૂરનું માથાના ભાગે પથ્થર વાગવાથી ઘટના સ્થળે મોત નીપજયુ હતું. જે અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.
આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગત મુજબ પાણપુર ગામની હદમાં આવેલ પથ્થરની કવોરીમાં ગુરૂવારે સવારે પથ્થર તોડવા માટે ધડાકો કરવામાં આવ્યો હતો. જેના કારણે પથ્થરો હવામાં ઉછળતા આ ખાણમાં કામ કરી રહેલા મૂળ રાજસ્થાનના રામાભાઇ હુરજીભાઇ બરંડા (ઉ.વ.૪૨)ને માથાના ભાગે પથ્થર વાગ્યો હતો. પરિણામે રામાભાઇને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળેજ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પીએસઆઇ ડી.જે.ઝાલા તેમજ એફએસએલ અધિકારી એમ.એ.શેખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જોકે પોલીસને પ્રાથમિક તપાસમાં કેટલીક બાબતો શંકાસ્પદ લાગી હતી. જેથી આ મામલે પૂછપરછ કરી વિગતો મેળવી હતી. આ ધડાકામાં વિરજીભાઇ બરંડા નામના એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
બનાવ અંગે વિરજીભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે પાણપુરની ખાણમાં ધડાકા કરવા તેમજ અન્ય જરૂરી નિયમોનું પાલન કરાય છે કે કેમ તે અંગે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાય નહીં.