મોડાસા ખાતે આગામી રવિવારે સંત શ્રી આસારામજી બાપુનો સત્સંગ અને ભંડારો યોજાનાર છે. જેમાં પાચ હજાર ગરીબોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનું મફત વિતરણ કરવામાં આવશે. લાંબા સમય બાદ આસારામજી બાપુ મોડાસામાં પધારી રહ્યા હોઈ સાધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.
મોડાસાના આંગણે રવિવારના રોજ સંતશ્રી આસારામજી બાપુનો સત્સંગ સમારોહ યોજાશે. મેઘરજ રોડ પર આવેલ દ્વારકાપુરી સામે બપોરે ત્રણ વાગ્યાથી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોડાસા, માલપુર,મેઘરજ, ધનસુરા, બાયડ સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લેશે. દરમ્યાન આ કાર્યક્રમમાં ભંડારાનું પણ આયોજન કરાયું છે. જેમાં પાંચ હજાર જેટલા ગરીબોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ જેવી કે કપડાં, મિઠાઈ, વાસણ અને રોકડ રકમની કીટ આપવામાં આવનાર છે.
આ પ્રસંગે ૪૦ હજારથી પણ વધુ મેદની સત્સંગનો લાભ લેવા માટે આવનાર હોવાની શક્યતાઓ ને પગલે જિલ્લા યોગ વેદાંત સમિતિના પ્રમુખ કનુભાઇ કે.પટેલ તેમજ મોડાસાના રાકેશભાઇ પટેલ સહિત સાધકોએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે.