શહેરના વધતા જતા વ્યાપને ધ્યાને રાખી લેવાયેલો નિર્ણય
મહેસાણા નગરના વધતા જતા વ્યાપને લઈને શહેરીજનોને પરિવહન માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તથા પ્રદૂષણમુક્ત વાતાવરણ રહે તે માટે પાલિકા દ્વારા નગરમાં સીએનજી સિટી બસો દોડાવવાની ગતિવિધિઓ શરૂ કરાઈ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા શહેરમાં કોન્ટ્રાકટ પદ્ધતિથી એજન્સી મારફત સિટી બસો ફેરવવામાં આવી રહી છે. પરંતુ આ બસો પાલિકા દ્વારા સૂચવવામાં આવતા રૂટ મુજબ ન ચાલતી હોવા સહિત અનેક ફરિયાદો ઊઠી રહી છે.
બીજી તરફ મહેસાણા શહેરમાં નાગલપુર તથા ઓજી વિસ્તાર ભળતાં શહેરનો વ્યાપ ૧૨ ચો.કિમીથી વધીને હાલમાં ૩૨ ચો.કિમી થઈ ગયો છે. શહેરીજનોને નગરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે મોટાભાગે રિક્ષાઓનો સહારો લેવો પડે છે જે શહેરીજનોને મોંઘું પડી રહ્યું છે.
જેને પગલે નગરપાલિકા દ્વારા શહેરીજનોને ઓછા ભાડામાં સારી સુવિધાવાળું પરિવહન પૂરું પાડવાના આશયથી નવી એજન્સીને સીએનજી સિટી બસો દોડાવવાનો કોન્ટ્રાકટ આપવાનો ઠરાવ કરાયો છે અને તે માટેની ગતિવિધીઓ શરૂ કરાઈ છે. આ નવી બસો સીએનજી હોઈ શહેરમાં પ્રદૂષણ પણ ઘટશે. જેથી બે એજન્સીઓ કાર્યરત થતાં તંદુરસ્ત હરિફાઈના કારણે નગરજનોને સસ્તી અને સારી સુવિધા ઉપલબ્ધ થશે.