ઇડર પાલિકામાં પ્રથમ સત્ર પૂર્ણ થયા બાદ બુધવારે નવા પ્રમુખની વરણી માટે યોજાયેલી બેઠકમાં કેશુભાઇ દેસાઇની બિનહરીફ વરણી થતાં કાર્યકરોએ ઉલ્લાસભેર વધાવી લીધા હતા.
ભાજપ શાસિત ઇડર પાલિકામાં અઢી વર્ષની પ્રથમ ટર્મ પુરી થતાં નવા પ્રમુખની વરણી બુધવારે કરાઇ હતી. શરૂઆતના તબકકે બે હરીફ ઉમેદવારો ચર્ચામાં પડતાં સમગ્ર શહેરમાં આ વિષય ચર્ચાનો બન્યો હતો. પરંતુ બુધવારે સાડાદસ વાગે જિલ્લામાંથી મેન્ડેટ આવી જતાં સમગ્ર ચર્ચાઓના અંત સાથે લોકોની આતુરતાનો પણ અંત આવી ગયો હતો.
પ્રમુખ તરીકે કેશુભાઇ દેસાઇનું નામ આવતાં ચૂંટણી પ્રક્રિયામાં નાયબ કલેક્ટર રાજેશકુમાર ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા હતા. જ્યાં તમામ સભ્યોએ સવૉનુમતે કેશુભાઇની વરણી કરતાં ઉપસ્થિત ટેકેદારોમાં આનંદ-ઉલ્લાસ છવાઇ ગયો હતો અને તમામ કાર્યકરોએ જયઘોષ સાથે તેમને વધાવી લીધા હતા.
તેમને પ્રમુખપદ મળતાં આ વિસ્તારના લોકોએ સરઘસનું આયોજન કરી તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના દપિસિંહ રાઠોડ, વિજયભાઇ પંડયા, એ.એન.પટેલ તથા પાલિકા સભ્યો હાજર રહ્યા હતા.