સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની રાજ્ય ચૂંટણીપંચે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાટણ-સિદ્ધપુર પાલિકાના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિમણુંકો કરી દેવાઇ છે. જ્યારે નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પગલે જિલ્લા કક્ષાએ એક મામલતદાર, એક નાયબ મામલતદાર એક કારકુન અને એક પટાવાળા સહિત ચાર કર્મચારીનું મહેકમ ૧ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી મંજૂર કરાયું છે.
જિ. પં.ની ર૯ બેઠકોની અને સાત તાલુકા પંચાયતો પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુરની ૧૩૩ બેઠકો તેમજ પાટણ, સિદ્ધપુર પાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓથી સજ્જ થઇ રહ્યું છે.
પાટણ પાલિકાના ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે પાટણ મામલતદાર, જ્યારે સિદ્ધપુર પાલિકા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી પાટણ અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સિદ્ધપુરના મામલતદારની નિમણુંક કરાઇ છે. જ્યારે ચાણસ્મા, હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી તરીકે તાલુકાના મામલતદાર અને તા.વિ. અધિકારીની નિમણુંકો કરાઇ છે.
પાટણ તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ, પાટણ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને ચિટનીશ ટુ કલેક્ટર, જ્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતના મતદાર મંડળના ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર-વ-કૃષપિંચ સિદ્ધપુર અને ટીડીઓની નિમણુંક કરાઇ છે.