ડીસા શહેરમાં ભેદી બિમારીએ હાહાકાર મચાવ્યો છે. બે દિવસ અગાઉ શહેરની ડોલીવાસમાં ૧૧ વ્યક્તિઓને ભોગ બનાવ્યા બાદ મંગળવારે મોડી રાત્રે વધુ ૧૪ વ્યક્તિઓને સકંજામાં લેતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ડીસા શહેરમાં બે દિવસ અગાઉ ડોલીવાસમાં દૂષિત પાણી પીવાથી તાવ, ખેંચ અને ઝાડા ઉલ્ટીના લક્ષણો સાથેની ભેદી બિમારીએ ૧૪ વ્યક્તિઓ સપડાયા હતા. ત્યાર બાદ આરોગ્ય વિભાગે સર્વે કરી સેમ્પલ લેવાયા હતા. જ્યારે પાલિકા તંત્ર પણ સફાળું જાગી ગટરોની સફાઇ, ગંદા પાણીનો નિકાલ અને જંતુનાશક દવાનો છંટકાવ તેમજ પાણીનું કલોરિનેશન કરાયું હતું.
ત્યારબાદ મંગળવારે રાત્રે ૧૧ વાગ્યા બાદ રીસાલા મિસ્જીદમાં ઉતરેલા જેસલમેરના નવ યાત્રીકો ભેદી બિમારીનો ભોગ બન્યા હતા. સાંજે રોઝા પત્યા બાદ તમામે સામૂહિક ભોજન લીધા બાદ રાતે નવ યાત્રીકો ખેંચ, ઝાડા-ઊલટી અને તાવમાં પટકાતાં તાત્કાલીક ભણશાળી હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ત્રણની સ્થિતિ નાજુક જણાતાં આઇ.સી.યુ. માં રાખવામાં આવ્યા હતા.