મહેસાણા શહેરમાં જન્માષ્ટમીના પર્વે એક મોટર કાર શો રૂમ દ્વારા નવી કાર ખરીદનારા દરેક ગ્રાહકને કંપની દ્વારા એક ગ્રીન પ્લાન્ટનો છોડ આપી ગ્લોબર વોર્મિંગની સમસ્યા સામે પર્યાવરણલક્ષી અભિયાન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કંપની દ્વારા નવી કાર સાથે અપાયેલા ગ્રીન પ્લાન્ટની કેવી માવજત કરી છે તે માયે આગામી છ માસમાં જે તે સ્થળે જઈ સરપ્રાઈઝ ગીફ્ટ આપનાર છે.
મહેસાણા સહિત ઉ.ગુ.માં ગ્રીન ગુજરાતના ભાગ રૂપે વિવિધ સંસ્થાઓ, સરકારી તંત્ર દ્વારા છોડ રોપણ અને માવજતના અનેરા પ્રયાસો થાય છે. ત્યારે જન્માષ્ટમીના પર્વે મહેસાણા શહેરના હાઈવે સ્થિત કારના એક શો રૂમમાં આ શુભ દિને નવી કાર ખરીદનારા દરેક ગ્રાહકને ગ્રીન પ્લાન્ટનો છોડ આપી પર્યાવરણ લક્ષી નવતર અભિયાન હાથ ધર્યું છે.
ગુરુવારે જન્માષ્ટમીના આ પર્વે આ શો રૂમમાંથી જુદી જુદી બ્રાન્ડની ૩૦ જેટલી કારનું વેચાણ થયું હતું. જેમાં આ કાર ખરીદનારા તમામને ગ્રીન ગુજરાતના ભાગ રૂપે આ છોડ આપવામાં આવ્યા હતા. આ અભિયાન હાથ ધરનારા ગુડલક હોન્ડાઈ કંપનીના ચેરમેન પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, શુભ દિને કાર ખરીદનારાઓને અમારા તરફથી ગ્રીન પ્લાન્ટ અપાયો છે અને આ ઝૂંબેશ હવે અવિરત રહેનાર છે.
આગામી છ મહિનામાં જે ગ્રાહક કાર લઈ ગયા હશે તેમને આ છોડનું રોપણ કઈ રીતે કર્યું છે તેની યોગ્ય માવજત થાય છે કે કેમ તે અંગે કંપનીના એજ્યુકીટીવ અને ગાર્ડનર મુલાકાત લઈ સરપ્રાઈઝ ગીફ્ટ આપવાનો પણ નિર્ણય લીધો છે. આમ અહી જન્માષ્ટમીના પર્વે નવી કાર ખરીદનારાઓની આગલી સીટમાં જુદા જુદા પ્રકારના ગ્રીન પ્લાન્ટ નજરે ચડ્યા હતા.