કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમ સામે કોર્ટમાં ફરિયાદ કરીને પાટણ આવેલા સન્યાસીની મિડિયા સાથે વાતચીત
કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમની ‘ભગવા આતંકવાદ’ની ટીપ્પણીથી નારાજ થઇ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ નોંધાવનાર ગોતરકાના યુવા સન્યાસી નિજાનંદ તીર્થ મંગળવારે પાટણ આવ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી.
તેમણે ભગવા આતંકવાદના ગૃહમંત્રી ચિદમ્બરમના ઉચ્ચારણને તીવ્ર શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. અમદાવાદથી પરત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે પોતાના આશ્રમે જતા મંગળવારે યુવા સંત નિજાનંદ તીર્થ પાટણ આવ્યા હતા.
તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેમની ફરિયાદ કોર્ટે દાખલ કરી છે અને વધુ પુરાવા છઢ્ઢી સપ્ટેમ્બરે આપવાના છે તેથી હાલ તુરંત વિશેષ કાંઇ ન બોલવાનું ટાળ્યું હતું. તેમ છતાં ભગવા આતંકવાદ’ જેવા શબ્દો હિન્દુ ધર્મનું, સાધુ-સંતોનું અપમાન કરનારા છે.
બે-ત્રણ દિવસ સુધી તેમણે ચિંતન કર્યું હતું અને તેઓ પોતાને રોકી શક્યા નહોતા. તેથી કોર્ટમાં ફરિયાદ આપી છે. જવાબદાર લોકોએ શબ્દો ઉચ્ચારતાં પહેલાં વિચારી લેવું જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.