કડી તાલુકાના મેડા આદરજની પરિણીતાને દહેજ અને સંતાનપ્રાપ્તિ મામલે તેના પતિએ માર મારી ઘરમાંથી તેગેડી મૂકતાં ચકચાર મચી ગઇ હતી. આ બાબતે પરિણીતાએ પતિ સહિત આઠ સાસરિયાં સામે બાવલુ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર, કડી તાલુકાના મેડા આદરજ ગામે રહેતા શબ્બીરભાઇ મહંમદભાઇના લગ્ન તાલુકાના શીયાપુરા ગામની નજમાબાનુ (૩૦) સાથે થયા હતા. જો કે, દહેજ તેમજ સંતાનપ્રાપ્તિના બાબતે તેને સાસરિયાં અવારનવાર મ્હેણા ટોણા મારતા હતા. પરંતુ, તેણી આ બધું ચૂપચાપ સહન કરી લેતી હતી અને સાસરીમાં રહેતી હતી.
શનિવારે સવારે ૯-૩૦ કલાકે તેના પતિ શબ્બીરભાઇએ તેને કહ્યું હતું કે, તું દહેજ નથી લાવી અને તું સંતાન પણ પેદા કરી શકતી નથી એમ કહી તકરાર કરી તેને માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. આ બાબતે નજમાબાનુએ પતિ સહિત આઠ સાસરિયાં સામે બાવલુ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં મેડા આદરજ આઉટ પોલીસ સ્ટેશનના હે.કો.ભગવાનજી મગનજીએ વધુ તપાસ હાથ ધરી છે.