જાસ્કાગામે જુગારમાં પત્નિનું ચાંદીનું મંગળસુત્ર હાર્યા બાદ તેના પગમાં પહેરેલ કડલાની માંગણી કરનારા પતિથી કંટાળેલી મહિલાએ અગ્નિસ્નાન કરવાના બનાવે ગામજનોમાં ચર્ચાઓ જગાવી છે. ગંભીર રીતે દાઝેલી મહિલાને તાત્કાલીક સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સિવિલ પોલીસે તેના નિવેદનની તજવીજ હાથધરી છે.
વડનગર તાલુકાના જાસ્કા ગામે રહેતા જેણાજી ઠાકોરના લગ્ન પંદર વર્ષ પુર્વે લીંચ ગામની લંકાબેન સાથે થયા હતા. દારૂ અને જુગારની લતે ચઢેલા પતિ સાથે તેઓને અવાર નવાર બોલાચાલી થતી હતી.
દરમિયાન મંગળવારે રાત્રે રાંધણછઠ્ઠ નિમિત્તે લંકાબેન આશરે નવ વાગ્યાના અરસામાં રસોઇ બનાવી રહ્યા હતા તે સમયે જેણાજી તેણી પાસે જઇ જુગાર રમવા માટે ગળામાં પહેરેલું ચાંદીનું મંગળસુત્ર ઝુટવીને લઇ ગયો હતો. ત્યારબાદ જુગારમાં મંગળસુત્ર હારીને પુન: ઘરે આવેલા જેણાજીએ લંકાબેન પાસે પગમાં પહેરેલા ચાંદીના કડલાની માંગણી કરતા તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં પતિના ત્રાસથી કંટાળેલા લંકાબેને મારા મર્યા પછી કડલા પગમાંથી ઉતારી દેજે તેમ કહી શરીર પર કેરોસીન રેડ્યાના ગણત્રીના સમયમાં જ તે ભડભડ સળગી ઉઠી હતી.
પત્નિને સળગતી જોઇ તેને બચાવવાના બદલે પતિ ઘર છોડી નાસી ગયો હતો. બીજીબાજુ લંકાબેને બચાવ માટે મચાવેલી ચીસો સાંભળી ઘટના સ્થળે એકત્રિત ટોળાનની મદદથી તેઓને તાત્કાલીક વધુ સળગતા બચાવી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અર્ધબેભાન લંકાબેનની હાલત ગંભીર જણાતા ઘટનાના કલાકો બાદ સિવિલ પોલીસે તેના નિવેદન સહિતની કાર્યવાહી હાથ ધરી છે.