કડી તાલુકાના ઘુમાસણ ગામે આવેલ ૨૮ જેટલા ઓએનજીસીના વેલને કારણે ઓએનજીસીના વાહનોની રોજીંદી અવરજવરને લઇ અત્રેના રસ્તાઓ તૂટી જતાં ત્રસ્ત બનેલા ગ્રામજનોએ ઓએનજીસીમાં છેલ્લા ત્રણ દિવસથી ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે, આ અંગે ઓએનજીસી દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા ગ્રામજનોએ શુક્રવારે સવારથી જ ઓએનજીસીના વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો.
બનાવની જાણ થતા અત્રે આવી પહોંચેલા ઓએનજીસીના અધિકારીઓ સમક્ષ ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરતા મામલો બિચકાતા સ્થાનિક પોલીસની મદદથી મામલો થાળે પડ્યા બાદ શનિવારે ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજવાની ફરજ પડી છે.
કડી તાલુકાના ઘુમાસણ ગામ ફરતે ૨૮ જેટલા ઓએનજીસીના વેલ આવેલા છે. જેને લઇ ગામ ફરતે સીમને જોડતા તમામ રસ્તાઓ પરથી ઓએનજીસીના વાહનો ૨૪ કલાક રોજીંદી અવર-જવર કરતા રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો. આથી ગામના ખેડૂતોને ખેતરે જવા આવવા માટે તેમજ બળદગાડા અને પશુઓને લઈ જવામાં આ રસ્તા અડચણરૂપ બનતાં ગ્રામજનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક ઓએનજીસીના અધિકારીઓ સમક્ષ રજુઆત કરાઇ હતી. પરંતુ,કોઈ નક્કર પરિણામ ન આવતા શુક્રવારે સવારથી જ ગ્રામજનોએ એકત્રિત થઇ ઓએનજીસીના વાહનોને રોકી ચક્કાજામ કરતા વાતાવરણમાં ગરમાવો પ્રસર્યો હતો.
બીજીબાજુ બનાવની જાણ થતા ઓએનજીસીના અધિકારીઓ તાત્કાલીક ઘુમાસણ ગામે આવી પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરતા ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરતા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચકાયો હતો.
જો કે,ઓએનજીસી પોલીસ તથા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચતા પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. છેવટે ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓએ શનિવારે સવારે ઘુમાસણમાં ગ્રામજનો સાથે બેઠક યોજવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.