હિંમતનગર એસ.ટી.ડેપોમાં કેન્ટીનમાં વહેલી સવારે લાગેલી આગને લીધે કચેરીને પણ નુકસાન: ફાયર બ્રિગેડની ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ : આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો
હિંમતનગરના એસ.ટી. ડેપોમાં આવેલી કેન્ટીનમાં રવિવારે વહેલી સવારના લીકેજ થયેલ ગેસ સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં કેન્ટીનના ફર્નિચર, માલસામાન સાથે એસ.ટી.ની મિલકતને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં તંત્રએ પણ રાહનો દમ લીધો હતો. પરંતુ કેન્ટીન સંચાલકને રૂપિયા પાંચેક લાખનું નુકશાન થયું હતું.
એસ.ટી. ડેપોમાં આવેલી કેન્ટીનમાં સવારે પોણા છ વાગ્યાના સુમારે ગેસ સિલિન્ડર એકાએક ધડાકા સાથે ફાટતા આગ લાગી હતી. ઠંડીના કારણે સવારના સમયે ઓછા ટ્રાફિકને લઇ કેન્ટીનમાં લોકોની અવરજવર ઓછી હોવાના સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ ગેસ લીકેઝગને કારણે આગમાં સપડાઇ ગઇ હતી. આગની ઉંચી જવાળાઓને લઇ ઓફિસના ઉપરના માળને નુકશાન થયું હતું. કેન્ટીનની અંદરનું ફર્નિચર, ફ્રીઝ તથા ખાદ્યપદાર્થોનો સામાન બળને ભસ્મી ભૂત થઇ ગયો હતો. જ્યારે એસ.ટી. ડેપોના ઉપરના માળની ઓફિસમાં પડેલી તિજોરી, એ.ટી.એમ. મશીનોના ૯૦ ચાર્જરને નુકશાન થવા સાથે ઓફિસના બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.
કેન્ટીનમાં સવારના સમયે ગેસ લીકેઝીંગને કારણે ઘડાકા સાથે આગ લાગવાની ઘટનાને કારણે સવારના સમયે બસ સ્ટેશન પરના મુસાફરો, એસ.ટી. કચેરીનો સ્ટાફ અને ડેપો પરના અન્ય હોકર્સોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવ અંગે પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડના વડા જગદીશ વ્યાસની સુચનાથી સ્ટાફના ભારતસિંહ ભાટી, પ્રતાપસિંહ દેવડા ફાયર ફાઇટર અને વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આ વિકરાળ આગ અંકુશમાં આવી હતી.
આગની ઘટનાને પરિણામે ખાદ્ય ચીજવસ્તુઓ, ફર્નિચર, ઠંડાપીણા, આઇસ્ક્રીમના ફ્રીઝ બળીને ખાક થઇ જતાં કેન્ટીનના સંચાલક જગદીશ ભારથી મોહનભારથી ગોસ્વામીએ કેન્ટીનમાં થયેલા નુકસાન સાથે ઘટના અંગે હિંમતનગર ટાઉન પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી હતી.
આ અંગે ડેપો મેનેજર સંદીપ પટેલે જણાવ્યું હતું કે વહેલી સવારે લાગેલી આગના કારણે એસ.ટી. ડેપોની વહીવટીય કચેરીમાં મુકેલી તીજોરી તથા એ.ટી.એમ. મશીનના ચાર્જર બળીને ભસ્મીભૂત થઇ ગયા હતાં.