ઝાકિયા જાફરી દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કામ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે મોદીની ભૂમિકાની સામે કોઈ ચુકાદો આપવાનો ઈન્કાર કર્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ સુપ્રીમ કોર્ટના પગલાને પોતાની જીત ગણાવી સદ્દભાવના અભિયાન હાથ ધર્યું હતું. તેમણે અમદાવાદમાં ત્રણ દિવસના સદ્દભાવના ઉપવાસ હાથ ધર્યા હતા. જેમાં ભાજપ સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નેતાઓએ મુખ્યપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. જો કે, સાડા ચાર મહિનાના સદ્દભાવના ઉપવાસ અભિયાન દરમિયાન કેટલાક વિવાદ ઊભા થયા હતા. જેમાંથી કેટલાક મુખ્ય વિવાદ નીચે પ્રમાણે છે.
કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ
મુખ્યપ્રધાન મોદીના સદ્દભાવના ઉપવાસએ દંભ અને મગરના આંસુ હોવાનો આરોપ કોંગ્રેસે મુક્યો હતો. આથી, જ્યાં-જ્યાં મુખ્યપ્રધાન મોદી દ્વારા સદ્દભાવના ઉપવાસ હાથ ધરવામાં આવ્યા ત્યાં-ત્યાં કોંગ્રેસ દ્વારા તેમની સામે સત્કર્મ ઉપવાસ હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદમાં આ કાર્યક્રમમાં શંકર સિંહ વાઘેલા, અર્જુનભાઈ મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલે ભાગ લીધો હતો. મોદીના મિશન દરમિયાન કેન્દ્રીય અને એનડીએના નેતાઓ આવતા હતા. જ્યારે કોંગ્રેસના આ અભિયાન દરમિયાન કોઈ દિગ્ગજ કોંગ્રેસી નેતા મેદાન પર આવ્યો ન હતો. એટલું જ નહીં કેટલાક સ્થળો પર તો મોદીના સદ્દભાવના ઉપવાસની સામે સત્કર્મ ઉપવાસ યોજાઈ શક્યા ન હતા.
મોદીને મુસ્લિમ ટોપી પહેરાવાનો પ્રયાસ
ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ અમદાવાદમાં ઉપવાસ કર્યા હતા. ત્યારે મુસ્લિમો પણ તેમાં જોડાયા હતા. જેમાં મંચ પરથી એક ઈમામે મુખ્યપ્રધાન મોદીને મુસ્લિમ ટોપી પહેરાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ તે પહેરી ન હતી. જેના કારણે, તેમની ધાર્મિક નિષ્પક્ષતા અને સદ્દભાવના ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ સમાચાર ટેલિવિઝન અને અખબારોમાં છવાઈ ગયા હતા. કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે તે સ્વાભાવિક હતું. આવી રીતે નવસારીમાં તેમણે કાફો પહેરવાનો ઈન્કાર કરી દીધો હતો.
સદ્દભાવનાનો ખર્ચ કેટલો ?
ગુજરાતના મુખ્યપ્રધાન મોદી દ્વારા સદ્દભાવના ઉપવાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે, પ્રજાના પસીનાના નાણાનો વ્યય કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સરકારી વહિવટીતંત્રનો પણ દુરૂપયોગ થઈ રહ્યો છે. આ અંગે રાજ્યપાલ દ્વારા અહેવાલ મંગાવવામાં આવ્યો હોવાના સમાચાર છવાયેલા રહ્યાં હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, માહિતી અધિકારના હેઠળ કેટલીક અરજીઓ પણ મળી છે.
ફાતિમાએ મોદીની પ્રશંસા કરી ?
ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ સદ્દભાવના ઉપવાસ હાથ ધર્યા હતા. ત્યારે લોકસભામાં વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજે દાવો કર્યો હતો કે, પીડીપીના નેતા મેહબુબા મુફ્તી પણ મુખ્યપ્રધાન મોદીની પ્રશંસા કરે છે. આ તક ઝડપીને જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઉંમર અબ્દુલ્લાએ મેહબુબાની ઝાટકણી કાઢી હતી. મહેબુબા મુફ્તીએ મોદીની પ્રશંસા કરી હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, બહાર આવેલા સત્તાવાર દસ્તાવેજો પ્રમાણે તેમણે મોદીની પ્રશંસા કરી હતી.
કારસેવકો પ્રત્યે સદ્દભાવના કેમ નહીં ?
વિહિપના નેતા પ્રવીણ તોગડિયાએ સદ્દભાવના ઉપવાસની ઉપર આડકતરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, ગોધરામાં ટ્રેનમાં માર્યા ગયેલા કારસેવકોના પરીવારજનો પ્રત્યે કેમ સદ્દભાવના દાખવવામાં નથી આવતી.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.