તસ્કરો ત્રણ દુકાનમાંથી R ૪૮ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા: બે દુકાનમાંથી કાંઇ ન મળ્યું
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી તસ્કરોએ રંજાડ મચાવી મુકી છે. ગુરુવારે થરાદના રાહમાં ત્રણ દુકાનોનાં તાળાં તોડયા બાદ શુક્રવારે કાંકરેજના રાનેર ગામે પાંચ દુકાનોના તાળાં તોડી R ૪૮ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
ચોરીની વિગત એવી છે કે, રાનેર ખાતે આવેલ માનસુંગભાઇ ધુડાભાઇ જોષીની રેડીમેડની દુકાનના તાળાં તોડી કોઇ તસ્કરોએ અંદરથી સાડીઓ તેમજ કટપીસ મળી R ૩૭,૭૫૦નો મુદ્દામાલ જ્યારે દશરથભાઇ બાબુલાલ રાવળની દરજી કામની દુકાનનું તાળુ તોડી સિલાઇ કરેલ ૧૫ જોડ કપડાં તથા સિલાઇ કર્યા વગરના ૧૦ જોડી કપડાં મળી R ૬ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
આ ઉપરાંત ગામના તળજાભાઇ મેલુભાઇ રાવળની મોબાઇલની દુકાનનું તાળુ તોડી અંદરથી બીલ વગરના અને આઇ.એમ.ઇ. નંબર વગરના મોબાઇલ ફોન, મેમરી કાર્ડ તથા બેટરીઓ મળી R ૪,૪૦૦ની કિંમતની વસ્તુઓ ચોરી ગયા હતા. તસ્કરોએ આ સિવાય પણ બે દુકાનોના તાળાં તોડયાં હતા પરંતુ તેમાં ચોરી કરી ન હતી.
આ અંગે માનસુંગભાઇ જોષીની ફરિયાદના આધારે શિહોરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.