જાહેર સ્થળોને તંત્રએ પાર્કિંગ માટે ફાળવી દેતાં કોંગ્રેસ અટવાઇ હતી
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે મુખ્યમંત્રીના સદભાવના અને કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ કાર્યક્રમની પૂણૉહુતિ યોજાનાર છે. જે માટે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ અંબાજીમાં જાહેર સ્થળોને પાકગિ માટે ફાળવી દેવાતાં કોંગ્રેસ સતકર્મના સ્થળ માટે અટવાઇ હતી. પરંતુ આખરે એક ખાનગી ટ્રસ્ટ દ્વારા કોંગ્રેસને જગ્યા ફાળવવામાં આવતા તંત્રએ સત્કર્મ માટે મંજૂરી આપી હતી.
યાત્રાધામ અંબાજીમાં રવિવારે મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ અને કોંગ્રેસના સત્કર્મ ઉપવાસનો સમાપન કાર્યક્રમ યોજાનાર છે. જેને લઇ તંત્ર દ્વારા મુખ્યમંત્રીના સદભાવના કાર્યક્રમ માટે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. તેમજ અંબાજી અંદરના તમામ જાહેર સ્થળોને મુખ્યમંત્રીના સદભાવના કાર્યક્રમમાં આવતા લોકોના વાહનો માટે પાકિઁગ માટે ફાળવી દેવામાં આવ્યા છે.
જેના પરિણામે કોંગ્રેસને સતકર્મના ઉપવાસ કાર્યક્રમ માટે અંબાજીમાં જગ્યા મળવી મુશ્કેલ બન્યું હતું.પરંતુ અંબાજી દાંતા રોડ પર આવેલા જેઠીબા સદનની બાજુમાં બાળદિપક રાસમંડળ ટ્રસ્ટની જગ્યા આવેલી છે.
આ ટ્રસ્ટના સંચાલક દ્વારા કોંગ્રેસને આ જગ્યાએ કાર્યક્રમ યોજવા સંમતિપત્ર આપતાં આખરે કોંગ્રેસે રાહતનો દમ લીધો હતો. જ્યારે તંત્રએ પણ કોંગ્રેસને બાળદિપક રાસમંડળ ટ્રસ્ટની જગ્યામાં કાર્યક્રમ માટે મંજૂરી આપી હતી.