માતાજીના નૈવેધના પૈસા આપવાની બાબતે બે સગાભાઇ વચ્ચે થયેલો ઝઘડો
ડીસા તાલુકાના માલગઢ ગામે માતાજીને નૈવેધના પૈસા બાબતે બે સગાભાઇઓના પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં ૧૦ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ વાન દ્વારા ડીસા સિવિલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં રહેતા હિરાજી લાધાજી માળી અને તેમના ભાઇ તળસાજી લાધાજી માળીના પરિવારો વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી માતાજીના નૈવેધના પૈસા બાબતે મનદુ:ખ ચાલી રહ્યું હતું. જેમાં શુક્રવારે હિરાજીનો પુત્ર મહેશ સવારે હીરાના કારખાને જવા નિકળ્યો ત્યારે તળસાજીએ તેનો ઉભો રાખી ‘માતાજીના નૈવેધના પૈસા બાકી છે તે કેમ આપતો નથી’ તેમ કહી અપશબ્દો બોલવા લાગતાં અપશબ્દો બોલવાની ના પાડતા તેઓએ હાથમાનો લાકડાનો ધોકો મહેશનો ફટકાર્યો હતો. જેથી બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા મહેશના પરિવારજનો દોડી આવ્યા હતા.
જ્યારે સામેથી મુકેશ તળસાજી સોલંકી, મહેશ તળસાજી સોલંકી બંને લોખંડની ખીલાસરી અને ધોકો લઇ દોડી આવી હુમલો કર્યો હતો. જેમાં સામસામે મારામારી થતાં ૧૦ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.
ઝઘડો થતાં આજુબાજુના લોકો પણ દોડી આવી છોડાવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ડીસાની ૧૦૮ વાન બોલાવી ડીસા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહેશ હિરાજી સોલંકીએ ડીસા તાલુકા પોલીસ મથકે પોતાના સગા કાકા તળસાજી, તેમના દિકારો મહેશ અને મુકેશ તેમજ પિત્ન મેતીબેન સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.