ડીસાના કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ રાણપુર-કાંટ ગામના ૧૨ ખેડૂતોની જમીન તારણમાં મુકી બેન્કમાંથી લોન લીધી હતી : લોન ન ભરતાં બેન્કે જમીન વેચવા નોટિસ ફટકારતાં ખેડૂતો ચોંકી ઊઠ્યા
ડીસાના અજાપુરા ખાતેના એક કોલ્ડ સ્ટોરેજનું વેચાણ થતાં નવા સંચાલકોએ ખેડૂતોના દેવા ભરપાઇ કરવાની ખાતરી આપી હોવા છતાં દેવું ભરપાઇ ન કરતાં બેંકે રાણપુરના ખેડૂતોની તારણની જમીન વેચવાની નોટિસ કાઢતાં ફફડી ઉઠેલા ખેડૂતોએ પરિવાર સાથે કોલ્ડ સ્ટોરેજમાં ડેરા નાંખ્યા છે અને જ્યાં સુધી સંચાલકો દ્વારા દેવું ભરપાઇ ન કરે ત્યાં સુધી અહીંથી ન હટવાનો નિર્ણય કર્યો છે.
ડીસાના અજાપુરા ખાતેના ક્રિષ્ના કોલ્ડ સ્ટોરેજના માલિક કેવળભાઇ સુથાર અને કિર્તીભાઇ સુથારે બે વર્ષ અગાઉ કોલ્ડ સ્ટોરેજનું વેચાણ કરતાં બનાસકાંઠા સાંસદ મુકેશદાન ગઢવીએ તેમના પુત્રના નામે તેમજ અન્ય ભાગીદારો સાથે મળી વેચાણે રાખી તેને વિશ્વનાથ કોલ્ડ સ્ટોરેજ નામ આપ્યું હતું. જેમાં ક્રિષ્ના કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ રાણપુર તેમજ કાંટ ગામના ૧૨ ખેડૂતોની જમીન તારણમાં મુકી દેના ગુજરાત ગ્રામિણ બેંક ડીસા શાખામાંથી મોટી રકમની લોન ઉપાડી લીધી હતી. આ લોન વેચાણ રાખતા સમયે કોલ્ડ સ્ટોરેજના નવા ૧૧ ભાગીદારોએ ભરપાઇ કરવાની શરતે કોલ્ડ સ્ટોરેજ તેઓના નામે કરવાની બાંહેધરી લીધી હતી.
જો કે, ત્યાર બાદ નવા સંચાલકોએ ખેડૂતોની લોન ભરપાઇ ન કરતાં બેંકોએ વારંવાર ખેડૂતોને નોટિસો પાઠવી હતી. જેથી ખેડૂતોએ નવા સંચાલકોને જાણ કરતાં વારંવાર વાયદા અને આશ્વાસન આપી આજ દિન સુધી લોન ભરપાઇ કરી નથી. જેથી હવે દેના ગુજરાત ગ્રામિણ બેંક દ્વારા ખેડૂતોની તારણમાં મુકેલી જમીનની ૨૮ ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજીથી વેચાણ કરવાની નોટિસ પાઠવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આથી રાણપુરના ખેડૂતો પરિવાર સાથે શુક્રવારે વિશ્વનાથ કોલ્ડ સ્ટોરેજ ખાતે ધામા નાંખ્યા હતા અને જ્યાં સુધી સંચાલકો લોન ભરપાઇ નહીં કરે ત્યાં સુધી ખેડૂતોએ અહીંથી ન હટવાનો નિર્ણય કર્યો છે.
અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે
કોલ્ડ સ્ટોરેજ સંચાલકો વારંવાર બોલીને ફરી જતા હોવાથી બેંકે અમારી જમીન વેચવા નોટિસ કાઢતાં અમે ઘરબાર વગરના થઇ જઇશું અને આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ ખેડૂત પુત્રી ક્રિષ્નાએ જણાવ્યું હતું.
લોન નહીં ભરાય ત્યાં સુધી હટીશું નહી
૨૮ ફેબ્રુઆરીએ બેંકે જમીન હરાજીની નોટિસ કાઢી છે. જો તે અગાઉ કોલ્ડ સ્ટોરેજવાળા લોન ભરી અમારી તારણમાં મુકેલી જમીન છોડાવશે નહીં ત્યાં સુધી અમે પરિવાર સાથે અહીંથી હટીશું નહીં અને કોલ્ડ સ્ટોરેજમાં માલ પણ ભરવા દઇશું નહીં તેમ ખેડૂત રામજીભાઇ રબારીએ જણાવ્યું હતું.