- ગામના તળાવમાંથી બાંધેલી હાલતમાં બંનેની લાશ મળી : હત્યા કે આત્મહત્યા
- મૃતક યુવકના ભાઇએ યુવતીના પરિવાર સામે હત્યાનો ગુનો નોંધાવ્યો
થરાદ તાલુકાના ડોડગામમાંથી ગુમ થયેલી યુવતીની લાશ સોમવારની રાત્રે ગામના તળાવમાંથી તેના પ્રેમી સાથે બાંધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. આ અંગે યુવકના ભાઇએ યુવતીના પરિવાર સામે બન્નેને તળાવમાં ફેંકી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
આ ચકચારી ઘટનાની વિગત મુજબ વાવ તાલુકાના સેડવ ગામના રાણીબેન ધનજીભાઇ ઠાકોર (હાલ રહે, ડોડગામ, તા. થરાદ) એ રવિવારે સાંજે થરાદ પોલીસ મથકમાં પોતાની ૨૦ વર્ષિય પુત્રી ટીનાબેન પોતાના ખેતરમાંથી કુદરતી હાજતે જવાના બહાને સવારમાં અચાનક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સોમવારે સાંજે ગામના જોડીયાણી તળાવમાં કોઇ યુવક-યુવતી ડૂબ્યા હોવાની થરાદ પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. ધર્મેન્દ્ર ચૌધરી તથા પો.કો. સુરેશભાઇ ખુશાલભાઇ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. જેના આશ્ર્ચર્ય વચ્ચે બન્ને લાશો ગુમ થનાર યુવતી ટીનાબેન ઠાકોર અને ગામના જ નાગજીભાઇ રામાભાઇ દલિત (આસલ) ની જણાતાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટનાની વાયુવેગે જાણ થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને બન્ને પક્ષના લોકો બહોળી સંખ્યામાં તળાવ કિનારે એકઠા થઇ ગયા હતા અને ભારે જહેમતથી સોમવારની મધરાતે બન્નેની લાશો એકબીજાને દોરડાથી બાંધેલી અને ફુલાઇ ગયેલી હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. આથી અનેક તર્ક-વિતર્કો પણ ચર્ચાસ્પદ બન્યા હતા. જ્યારે જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલ પણ થરાદ દોડી આવ્યા હતા.
જ્યારે મૃતક નાગજીભાઇના ભાઇ અમરતભાઇ દલિતે યુવતીના મામા ધનજીભાઇ રવજીભાઇ ઠાકોર, મફાજી રવજીભાઇ ઠાકોર, તલાભાઇ સાંમતાભાઇ ઠાકોર અને માતા રાણીબેન ઠાકોર સામે તેમની દિકરીને પોતાનો ભાઇ ભગાડી ગયાનો વહેમ રાખી ચારેય જણાંયે મળીને બન્નેને તળાવમાં ફેંકી દીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
અપહરણની ફરિયાદ નોંધાઇ હતી
યુવતીની માતાએ રવિવારે સાંજે પુત્રીના ગુમ થયાની અને ત્યાર બાદ સોમવારે સાંજે પુત્રીના અપહરણની પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટીનાના લગ્ન વાવ તાલુકાના મોરવાડા ગામના મેરાજી શંકરજી ઠાકોર સાથે થયેલા હતા. પરંતુ તેણીને પોતાને ઘેર અવાર-નવાર આવતો જતો અને ત્રણ સંતાનોનો પિતા નાગજીભાઇ દલિત લલચાવી ફોસલાવી પોતાનો બદ ઇરાદો સંતોષવા અપહરણ કરી ગયો હોવાનું જણાવ્યું હતું.
ઘટના અંગે તર્કવિતર્ક
ડોડગામના બન્ને પ્રેમી પંખીડાની લાશ કમ્મર અને પેટના ભાગથી દોરડા વડે બાંધેલી તથા બન્નેના પગની આંટીઓ મારેલી હાલતમાં મળી આવી હતી. વળી, બન્ને અંદાજે ૨૦ થી ૨૫ ફુટ જેટલી અંદાજીત ઉંચાઇએથી તળાવમાં અને કિનાર ઉપર બે જોડી ચંપલ તેમજ સાડી દુપટ્ટાના ટુકડા પડેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે પણ પ્રાથમિક દ્વિષ્ટ્રએ આત્મ હત્યાની ઘટના હોવાનું જણાવ્યું હતું. પરંતુ મૃતકના ભાઇએ પોલીસ ફરિયાદમાં ઉપરોકત ચારેય શખ્સોને સાંજે ચારેક વાગ્યાના સુમારે બન્નેને તળાવમાં ફેંકતા જોયા હોવાનું જણાવતાં હત્યા કે આત્મ હત્યા અંગે અનેક પ્રકારના તર્ક વિર્તકો ચર્ચાસ્પદ બન્યા છે.