ગરીબ કલ્યાણ મેળામાં બસો રોકાઇ જતાં હજારો મુસાફરો અટવાયા
ડીસામાં સોમવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કાળા વાવટા ફરકાવવા જઇ રહેલ કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કાર્યકરોની મેળા સ્થળે પહોંચે તે પહેંલાં જ અટકાયત કરતાં કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. દરમિયાન ગરીબ કલ્યાણ મેળામાં તાલુકાના ૧૫ હજારથી વધુ લાભાર્થીઓને R ૧૮ કરોડ ઉપરાંતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડીસાના ન્યુ ટી.સી.ડી. ક્રિકેટ મેદાન ખાતે તાલુકાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંસદીય સચિવ સુંદરસિંહ ચૌહાણ તેમજ મંત્રી લીલાધરભાઇ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જે ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને લાવવા માટે બસો મુકવામાં આવી હતી. જેથી એસ.ટી. તંત્ર દ્વારા કેટલાંક રૂટો બંધ કરી દેવાતા હજારો મુસાફરો અટવાઇ પડ્યા હતા.
જેથી જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રકાશચંદ્ર ભરતીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કાંતિલાલ ઠક્કર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી.વી.રાજગોર, પાણી પુરવઠા સમિતિના ચેરમેન દપિકભાઇ પટેલ, તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ અમરત દેસાઇ, મૈયજીભાઇ દેસાઇ, તાલુકા એન.એસ.યુ.આઇ. પ્રમુખ મોતીભાઇ આલ (કમોડા) સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ગરીબ કલ્યાણ મેળામાં કાળા વાવટા ફરકાવવા જઇ રહ્યા હતા તે દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ સરકારની તાનાશાહી સામે ભારે સૂત્રોચ્ચાર પોકારી ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
જ્યારે ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી લીલાધરભાઇ વાઘેલા અને સુંદરસિંહ ચૌહાણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રજાજનોને આહવાન કર્યું હતું જ્યારે ગુજરાતના વિકાસમાં રોડા નાંખનાર કેન્દ્ર સરકારને હવે ઓળખી જવાનો સમય પાકી ગયો છે.’ આ ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાત ગોપાલક નિગમના ચેરમેન ડૉ. સંજય દેસાઇ, ધારાસભ્ય ગોવિંદભાઇ પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુલાલ માળી, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ પંડયા, જિલ્લા પંચાયત સદસ્ય કાનાભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા શાંતુભા વાઘેલા, જિલ્લા કલેક્ટર જે.બી.વોરા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળામાં તાલુકાના ૧૫,૩૦૫ લાભાર્થીઓને R ૧૮૮૫.૬૮ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Top News
Interesting News
Most Read