બેઠકમાં રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહી નગરોત્સવ મનાવવા સૂચન
પાટણ શહેરના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત યોજાયેલી બેઠકમાં કિન્વનર અને કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ સમાજ દ્વારા ઐતિહાસિક પાટણના સ્થાપનાદિનની ઉજવણીમાં સર્વ સમાજને મહત્વ મળવું જોઇએ અને પક્ષાપક્ષીથી પર રહીને સ્થાપના દિનની ઉજવણી થાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા.
શહેરમાં આગામી ૧૪મી ફેબ્રુઆરીએ સ્થાપના દિન પ્રસંગે શોભાયાત્રા સહિત જાજરમાન વૈવિધ્ય કાર્યક્રમો યોજાનાર છે. જેના આયોજન અંગે શુક્રવારે સાંજે પાલિકાના સભાખંડમાં પ્રમુખ મનોજ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સ્થાપનાદિન કિન્વનર કમિટી અનેશોભાયાત્રા કારોબારી કમિટીની રચના કરવામાં આવી હતી. ખાસ કરીને રાજકીય પક્ષાપક્ષીથી દુર રહીને ઉજવણી થાય તેવું સૂચન કાસમઅલી સૈયદે વ્યક્ત કર્યું હતું.
મુસ્લીમ સમાજનું પણ ઐતિહાસિક પાટણમાં પ્રભુત્વ રહેલું છે તેની પૂરતી સામેલગીરી થાય, સર્વ સમાજને આવરી લઇને પાટણના સ્થાપના દિનની ઉજવણી કરવા સૂચન કર્યું હતું. દિનેશભાઇ પટ્ટણીએ પટ્ટણી સમાજને પણ આમંત્રણ પાઠવવા સુચવ્યું હતું. જેને આવકારવામાં આવ્યું હતું. આ રાજકીય નહીં પણ શહેરનો ઉત્સવ છે અને સૌનો ઉત્સવ હોવાનું યતિન ગાંધીએ જણાવ્યું હતું.
સીંધી માર્કેટના ઉપપ્રમુખ શોભરામભાઇ ઠક્કર, ભગવાનદાસ ઠક્કરે ઉત્સવ પ્રસંગે સમાજના મંદિરની નોંધ લેવા સૂચવ્યું હતું. બેઠકમાં પાલિકાના સદ્સ્યો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.