પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરુવારે પણ કોલ્ડવેવ ચાલુ રહેતાં દિવસ દરમિયાન પણ લોકો ઠંડીમાં રાહત માટે ગરમવસ્ત્રો પરીધાન કરેલા જોવા મળ્યા હતા. જોકે, બુધવાર કરતાં ગુરુવારે વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. જેમાં સાંજ ઢળતાં ઠંડીનું જોર વધ્યું હતું અને બજાર વિસ્તારમા ઠંડીમાં ઠુઠવાતા લોકો તાપણાની ચોમેર ગોઠવાયા હતા. ગુરુવારે ૬ ડિગ્રી જેટલો ઠંડીનો પારો રહ્યો હતો.જ્યારે મોડાસામાં કાતિલ ઠંડીથી સિંચાઇ કર્મચારીનું મોત નિપજ્યું હતું.
છેલ્લા ત્રણેક દિવસથી પવનના સૂસવાટા સાથે વાતાવરણ ઠંઠુગાર બનતાં માર્ગમાંથી પસાર થતાં રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકો પણ પવનના સૂસવાટામાં કંપી ઉઠ્યા હતા. બુધવારે સવારે જાણે કે ઠાર પડ્યો હોય તેવી ઠંડી જામી હતી. જોકે, બપોરે ઠંડીનું જોર ઘટ્યું હતું અને સાંજે ૪ વાગ્યા બાદ ઠંડા પવનના સૂસવાટાથી ઠંડીનો પારો ઉંચકાયો હતો. જેના પગલે શહેરના રસ્તા પર લોકોનું આવાગમન પણ ઘટયું હતું. જિલ્લાના સરહદી સાંતલપુર, સમી અને રાધનપુરના છેવાડાના અને રણકાંઠાના ગામડાઓમાં ઠંડી અસહ્ય બની હતી. જેમાં સાંજે છ વાગ્યા પછી ઠંડીથી બચવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
સામાન્યરીતે દિવસ દરમિયાન શહેરીજનોથી ધમધમતુ પાટણનું બજાર રાત્રે પણ ખાણી-પીણીથી ધમધમતુ હોય છે. પરંતુ બે દિવસથી ઠંડીનું જોર વધતાં રાત્રે પાટણના મુખ્ય બજારમાં પણ લોકોનો ધસારો ઘટ્યો હતો. પાટણ તેમજ જિલ્લામાં ખાસ કરીને રાધનપુર, સાંતલપુરના ગામડામાં ઠંડીનો પારો ઉંચો રહ્યો હતો. જોકે, સાંજ ઢળતાં જ ઠંડીનો પ્રકોપ શરૂ થયો હતો. મોડી સાંજે ૬થી ૭ ડિગ્રી ઠંડી હોવાનું હવામાનના નિર્દેશો મળ્યા હતા.જ્યારે સાબરકાંઠાના મોડાસા ખાતેની સિંચાઈ કચેરીના ચોકીદાર તરીકે ફરજ બજાવતા રાંમાભાઇ સોમાભાઈ ખાંટ (ઉ.વ.૫૬)બુધવારે ફરજ બજાવ્યા બાદ ગુરુવારે વહેલી સવારે પોતાના ઘરે કુણા પહોંચ્યા હતા. દરમિયાન આ આધેડનું ઠંડીને લીધે મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે,ઠંડીને કારણે અનેક લોકોએ તાપણાનો સહારો લીધો હતો.