સિદ્ધપુરથી ગાગલાસણ રોડ પર શનિવારે સવારે મારૂતિ ફ્રન્ટી કાર અને જીપ સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત નીપજતાં હતા. જ્યારે પેસેન્જર જીપના નવ મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિ બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામના વતની હતા. તેઓના કુટુંબીજનો પણ પાછળથી સિદ્ધપુર ખાતે દોડી આવતાં ભારે રોક્કળ મચી જવા પામી હતી.
શનિવારે સવારના નવ કલાકે મારૂતિ ફન્ટી કાર (જીજે-૧એચએચ-૮૯૪૩) સિદ્ધપુરથી કાકોશી તરફ જઇ રહી હતી અને તેજ સમયે કાકોશી તરફથી એક પેસેન્જર જીપ (જીજે-રકે-૬૬૧૩) સિદ્ધપુર તરફ આવી રહી હતી. જે ગાગલાસણ પાસે આવેલી સરસ્વતી ટોબેકો કંપનીની ફેકટરી પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક બંને ગાડીઓ જોરદાર ધડાકા સાથે આમને સામને ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ડીસા તાલુકાના માણેકપુરા ગામના ત્રણ મુસાફરો પૈકી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને તાત્કાલિક ૧૦૮ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતાં ત્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે જીપમાં સવાર નવ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થતાં સિદ્ધપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઠાકોર લક્ષ્મણજી મગાજી (રહે રસલુપુરવાળા)ને વધુ ઇજાઓ થયેલ હોઇ ડૉ. વિશાલ શુક્લ દ્વારા પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ અંગે સિદ્ધપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલમાં રોક્કળ મચી
ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતાં ઇજાગ્રસ્તો તેમજ મૃતકોનો સ્નેહીજનોના ટોળેટોળા સિદ્ધપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. મૃતકોના સ્નેહીજનોના આક્રંદથી હોસ્પિટલમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. સમગ્ર પંથકમાં ચાલતી લગ્નસરાની મોસમમાં અકસ્માતના સમાચારે હાહાકાર મચાવી દીધો હતો.
ઇન્ટરવ્યૂનો આનંદ માતમમાં ફેરવાયો
માણેકપુરા ગામના કંચનજી વાલજીજી ઠાકોરને પીએસઆઇનો ઇન્ટરવ્યૂ અને કરણસિંહ દેવુસિંહ સોલંકીને કોન્સ્ટેબલની પરીક્ષાનો ઇન્ટરવ્યૂ કોલ આવતાં નાનાભાઇ કંચનજીને લઇ તેમના પિતરાઇ મોટાભાઇ મથુરજી મણાજી તેમને લઇને ગયા હતા. ગામના બદાજી બચુજી ઠાકોર પણ તેઓ સાથે ગયા હતા. જ્યારે પાંચાભાઇ દેસાઇને અમદાવાદ ભેંસના પૈસા લેવાના હતા તેથી ગાડી ખાલી હોઇ સાથે ગયા હતા. ઇન્ટરવ્યૂ પછી તેઓ ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરી શનિવારે સવારે ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં મોત ભેટી ગયું હતું. મથુરજી પશુચિકિત્સક તરીકે પણ સેવા આપતા હતા.
ઇન્ટરવ્યૂ આપનારા રોકાઇ ગયાને બચી ગયા
વિધિની વક્રતા તો જુઓ જેમના ઇન્ટરવ્યૂ હતા તે કંચનજી અને કરણસિંહ ગાંધીનગર ખાતે કોઇ કામ અર્થે રોકાઇ ગયા હતા અને તેઓ બચી ગયા હતા. આ બંને જણાંને સમાચાર મળતાં જ સિદ્ધપુર ખાતે દોડી આવ્યા હતા અને આઘાતથી સમસમી ગયા હતા.
...અને મોતના મુખમાંથી બચ્યાં
અકસ્માતમાં ઘાયલ થયેલા પટેલ શારદાબેન કાન્તીલાલ પરાસળા (રહે. કુવારા)એ જણાવ્યું હતું કે, તેઓ પુત્રવધૂ ભાવિકાબેન સંજયકુમાર પટેલ સાથે જીપમાં બેસીને કુવારાથી સિદ્ધપુર ખાતે સામાજિક સિમંત પ્રસંગ હોવાથી ખરીદી કરવા આવી રહ્યા હતા. તે દરમિયાન સામેથી કાર જીપને અથડાઇ હતી. પુત્રવધૂને ખભે ઇજાઓ થઇ હતી. જેથી તાત્કાલીક ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમને કાનના પાછળના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. પરંતુ મોતના મુખમાંથી બચી ગયા છીએ.