ગુજરાતમાં કરાતી સફળ ખેતીના વખાણ કર્યા
મોડાસા તાલુકાના ગણેશપુરાકંપામાં મધમાખીના ઉપયોગ વડે ક્રોસીંગ વડે રાયડાનું મબલખ ઉત્પાદન મેળવવાનો પ્રયોગ કરાયો છે. ત્યારે શુક્રવારના રોજ કેનેડાની એક ખાનગી કંપનીના પ્રતિનિધિ મંડળે વાવેતર અંગેની માહિતી મેળવી હતી. અને ગુજરાતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી સફળ ખેતી અને વિવિધ પ્રયોગોના વખાણ કર્યા હતા.
ગણેશપુરાકંપામાં ચારથી પાંચ ખેડૂતોએ રાયડાના વાવેતરમાં અનોખી પધ્ધતિ અપનાવી છે. જમ્મુથી મધમાખીઓ લાવી કૃત્રિમ રીતે ક્રોસીંગ પધ્ધતિથી મબલખ ઉત્પાદનનો પ્રયોગ હાથ ધર્યો છે ત્યારે કેનેડાની ખાનગી કંપનીના જયોર્જ લેર્મસન અને ટીમે શુક્રવારે સવારે ગણેશપુરાકંપાની મુલાકાત લીધી હતી. જ્યાં ખેતરોમાં તૈયાર થયેલ રાયડાના પાકને નિહાળી તેની કવોલીટી, પાક ઉત્પાદન તેમજ કુદરતી રીતે તૈયાર થતા રાયડાને બદલે આ પ્રયોગ દ્વારા રાયડામાં કેટલું અને કેવું ઉત્પાદન થશે તેની વિગતવાર માહિતી મેળવી હતી. ખેડૂતો વધુમાં વધુ ખેતીમાં જુદી પધ્ધતિઓ અપનાવે અને સફળતા મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રતિનિધિ મંડળ સાથે સંજયસીંગ, સુરેન્દ્ર પ્રજાપતિ સહિતના લોકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે કુદરતી રીતે પાકતા રાયડાને બદલે કૃત્રિમ પધ્ધતિથી ફલિનીકરણ દ્વારા રાયડાનો પાક તૈયાર થતાં વીઘા દીઠ આઠથી ૧૦ મણનો વધારો થાય છે. સાથે આ રાયડો મોટાભાગે બિયારણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરિણામે તેના ભાવ પણ સારા મળી રહે છે.