ભારતીય સાંસ્કૃતિક નિધિ (ઈન્ટેક) દ્વારા ફોકસ હીસ્ટ્રી અને એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક આત્મલક્ષી લેખન પ્રવૃત્તિનો વિકાસ થાય તેવી એક અનોખા લેખનનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પૈકી પસંદગી પામેલા વિદ્યાર્થીઓ તેમની વાર્તા પર બનનારી ટૂંકી ફિલ્મમાં રજુઆતકર્તા તરીકે ચમકશે.
વિદ્યાર્થીઓમાં પ્રાચીન નૈસિર્ગક અને માનવસર્જિત વારસાની જાળવણી પ્રત્યે જાગૃતિ કેળવાય અને તેમનામાં સંશોધનાત્મક આત્મલક્ષી લેખન પ્રવૃત્તિનો વિકાસ થાય તે હેતુસર ફોકસ હીસ્ટ્રી એન્ડ એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલ તથા ભારતીય સાંસ્કૃતિક નિધિ (ઈન્ટેક) દ્વારા ‘મારું શહેર - મારો ઈતિહાસ’ નામની વાર્તા લેખન માટે ધોરણ ૬ થી ૯ના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓ ૭૫૦ થી ૮૦૦ શબ્દોમાં પોતાના શહેર કે ગામની વિશિષ્ઠતાઓ જેવી કે પ્રાચીન, ઐતિહાસિક કે સાંસ્કૃતિકતા વિષેની વિગતો દર્શાવશે.
સાથે સાથે શહેર કે ગામના સ્થાપત્યો, પરિચિત ઈમારતો, ધાર્મિક સ્થાનો, કુદરતી સ્થળો, તહેવારો, હસ્તકલા કારીગરી, રીતરિવાજો, તહેવારો કે કોઈ વ્યક્તિ વિશેષ વિષે પણ આવરી લેવાનું રહેશે. વિદ્યાર્થીઓ પોતાની વાર્તાના અનુસંધાને વિડીઓ, ફોટોગ્રાફ, ચિત્ર વગેરે પણ રજુ કરી શકશે. ઈન્ટેકના ઉ.ગુ. કન્વીનર જવાહર મહેતાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ આ વાર્તા અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી ભાષામાં લખવાની છે.
તથા મળેલી વાર્તાઓ પૈકી પસંદગી પામેલી પાંચ વાર્તાઓના લેખક વિદ્યાર્થીઓ પોતાની વાર્તા આધારિત ટૂંકી ફિલ્મના શૂટિંગ દરમિયાન રજુઆત કરવાની તક મેળવશે તેમજ ભાગ લેનારા દરેક વિદ્યાર્થીને ફોકસ હીસ્ટ્રી ટીવી ચેનલ તથા ઈન્ટેક તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાની વાર્તા ૨૦મી ઓક્ટોબર સુધીમાં કન્વીનર, ઈન્ટેક ચેપ્ટર, ૨૩, ચકેશ્વરી ફ્લેટ, ટીબી રોડ, મહેસાણાના સરનામે મોકલી આપવી જેમાં વાર્તા લેખક વિદ્યાર્થીએ પોતાનું નામ, સરનામુ તથા સંપર્ક નંબર દર્શાવવું જરૂરી છે.