જિલ્લામાં પોછોતરો પણ સારો વરસાદ થતાં ખરીફ પાકનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. જિલ્લામાં ઓગસ્ટ માસના અંત સુધીમાં ૨.૭૦ લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચુકયુ છે અને આગામી દિવસોમાં હજુ પણ દિવેલા, વરીયાળી સહિતના પાકોનું વાવેતર વધવાની શક્યતા છે.
ચાલુ વર્ષે જુલાઇ તથા ઓગસ્ટ માસમાં પુરતો વરસાદ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. પાછોતરા સારા વરસાદને પગલે જિલ્લામાં નોંધપાત્ર ખરીફ વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી કચેરીના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં ગત વર્ષે ૨.૮૪ લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે આગસ્ટ માસના અંત સુધીમાં જિલ્લામાં ૨.૭૦ લાખ હેકટરમાં વાવેતર થઇ ચુક્યૂ છે અને આગામી દિવસોમાં વધુ વાવેતર થવાની શક્યતા છે.
આ વર્ષે સારા વરસાદથી ડાંગર, તુવર, મગફળીના વાવેતરમાં વધારો થયો છે. જેમાં તુવરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષે માત્ર ૨૬૬ હેકટરમાં જ તુવરનું વાવેતર થયું હતું જે આ વર્ષે ૧૧,૨૬૦ હેકટરમાં વાવેતર થયું છે. તો બીજી બાજુ ઘાસચારાના વાવેતરમાં ભારે ઘટાડો નોંધાયો છે. જ્યારે હાઇબ્રીડ કપાસ તથા દિવેલાનું વાવેતર પ્રમાણમાં સરેરાશ રહ્યું છે.