કોંગ્રેસના ‘સાચી સદભાવના’ કાર્યક્રમમાં વિશાળ મેદની ઉમટી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સદભાવના મિશન હેઠળ પાટણ ખાતે સોમવારે યોજાયેલા અનશન કાર્યક્રમની સમાંતર કોંગ્રેસ દ્વારા સાચી સદભાવના કાર્યક્રમનું આયોજન કરાતાં વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણીઓએ મોદીના જુઠાણાઓના પર્દાફાશ કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કુશાસનને દૂર કરી કોંગ્રેસનું સુશાસન લાવવા હાકલ કરી હતી.
મુખ્યમંત્રીના સદભાવના અનશનની સમાંતર કોંગ્રેસ દ્વારા પણ પાટણના સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં રેલવે ગરનાળા નજીક સાચી સદભાવના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ જગદીશ ઠાકોરે એમ કહી સૌને ચોંકાવી દીધા કે, હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ લોકો (ભાજપ)ગોધરાકાંડમાં હિન્દુ-મુસ્લિમોને લડાવ્યા તેમ હવે સમાજો-સમાજો વચ્ચે ઝઘડા કરાવવાની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી છે. મોદીમાં કિન્નાખોરી ઠાંસી ઠાંસીને ભરી છે.તેઓ પોતાની સામે પડનારને હરેન પંડ્યા, લીલાબા કેશુભાઇ, સંજય જોષી જેવા હાલ કરવાની ધમકી આપે છે. જેથી તેમની કિન્નાખોરીમાં ન આવવા સાવધ રહેવા જણાવ્યું હતું.
સાંસદે મુખ્યમંત્રીને પડકારો ફેંકતાં જણાવ્યું કે, મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમોમાં એસટી બસનો દૂરુપયોગ કરતાં હોવાથી હવેના કાર્યક્રમોમાં એક પણ એસટી જવા ન દેવા જણાવી પાટણમાં એસટી સાથે મોદીનો છેલ્લો પ્રોગ્રામ બનાવી દેવાની હાકલ કરી હતી. સાંસદે પાવડા રેલીની સફળતા બાદ હવે બહેનોની દાતરડા રેલી તેમજ ખેડૂતોની ટ્રેકટર રેલી કરવાની પણ જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ પટેલ, વિધાનસભાના પૂર્વ દંડક બલવંતસિંહ રાજપૂત, વાગડોદના ધારાસભ્ય જોધાજી ઠાકોર, માજી ધારાસભ્ય માલજીભાઇ દેસાઇ સહિતે ઉદ્બોધન કર્યું હતું.