રાધનપુરમાં રવિવારે સંસદ સભ્ય જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસનું નવા વર્ષનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. જેમાં સાંસદે રાધનપુર પંથકમાંથી ભાજપને ભગાડો પછી જ સાફો પહેરાવવા કાર્યકરોને મેસેજ આપ્યો હતો.
સ્નેહમિલનમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી રઘુભાઇ દેસાઇ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ દેસાઇ, પ્રદેશ ડેલિગેટો ડૉ. વિષ્ણુ ઝુલા, રઘુરામભાઇ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન સમારોહમાં ર૦૧૨ની વિધાનસભાની ચૂંટણી ભાજપને પછાડવા તમામ અગ્રણીઓ અને કાર્યકરોને એક થવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
જ્યારે સ્થાનિક અગ્રણીઓએ ચૂંટણી માટે છ મહિના પહેલા ઉમેદવાર નક્કી કરવા અનુરોધ કર્યો હતો. જેથી ચૂંટણી યોગ્ય સમય મળી રહે. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ લવિંગજી સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇ પરમાર, ઇશુભા મલેક, મહેશભાઇ મુલાણી, નવીનભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ જગદીશ ઠાકોરને કાર્યકરો સાફો પહેરાવવા ગયા ત્યારે તેમણે સાફો ન પહેરતાં કહ્યું હતું કે, પહેલા તમે સાથે મળીને રાધનપુરમાંથી ભાજપને ભગાડો અને પછી જ સાફો પહેરાવવાનું વચન આપો. આ રીતે તેમણે એક જુટ બની ભાજપને ચૂંટણીમાં હાર આપવા અનુરોધ કર્યો હતો.