શહેરી વિકાસ મંત્રીના હસ્તે નિમણુંક પત્રો વિતરણ કરાયાં : જિલ્લામાં હજુ ૧૪૦ જગ્યાઓ ખાલી
બનાસકાંઠા જિલ્લામાં ભરતી થયેલા તલાટીકમ મંત્રીઓને શનિવારે નિમણુંક પત્ર અપાયાં હતા. રાજ્યના શહેરીવિકાસ મંત્રીના વરદ્ હસ્તે નિમણુંક પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા એક સમારોહમાં જિલ્લાના સહપ્રભારી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જોકે હજુ પણ જિલ્લામાં ૧૪૦થી વધુ તલાટીઓની જગ્યાઓ ખાલી છે.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી નિતીનભાઇ પટેલના વરદ્દહસ્તે નવા નિમણુંક પામેલા તલાટીકમ મંત્રીઓને તેમના નિમણુંકના સ્થળના ઓર્ડર હાથોહાથ અપાયા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં શહેરી વિકાસ મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘૧૯૬૦ પછી સરકારી ફરજમાં જોડાતા કોઇપણ કર્મચારીને આ રીતે સમારોહ યોજીને નિમણુંકપત્ર ક્યારેય અપાયા નથી.
જે વર્તમાન સરકાર દ્વારા આવવાનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં કર્મચારીઓ અધિકારીઓથી પરિચિત થાય તે માટે નિમણુંક પત્રો આપવામાં આવ્યા છે.’ નવી નિમણુંક પામેલા તલાટીકમ મંત્રીઓને સેવાની ભાવના સાથે ફરજ બજાવવાની તેઓએ શીખ આપી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સહપ્રભારી સુંદરસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો તેમજ જિલ્લા કલેક્ટર જે.બી.વોરા, જિલ્લા વિકાસ અધિકારી બી.જે.ભટ્ટ, ઇન્ચાર્જ નાયબ ડીડીઓ એમ.એમ.ગઢવી સહિત અધિકારીઓ અને નવિનયુક્ત તલાટીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.