બનાસ ડેરીની ચૂંટણી ડેરીના પેટાનિયમ કે સરકારના પરિપત્ર મુજબ યોજાશે જેને લઇ તર્ક-વિતર્ક
બનાસડેરીની ચૂંટણીની મતદાર યાદીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેથી ડેરીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની જિલ્લાના દૂધ ઉત્પાદકો અને સહકારી અગ્રણીઓ રાહ જોઇ રહ્યા હતા. પરંતુ ડેરીની ચૂંટણી ડેરીના જુના પેટાનિયમ મુજબ યોજવી કે સરકારના પરિપત્ર મુજબ યોજવી તેની ગૂંચ પડી છે. ત્યારે આ અંગે હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ થઇ છે. ત્યારે સરકારના પરિપત્ર મુજબ ચૂંટણી યોજાય તો ડેરીની સત્તામાં ઉથલ-પાથલ થવાની શક્યાતા રહેલી છે. જેથી હવે આ મુદ્દે હાઇકોર્ટ શુ આદેશ કરે છે. તેના પર સૌની મીટ મંડાઇ છે.
બનાસડેરીની ચૂંટણીને લઇ જિલ્લામાં અગાઉથીજ રાજકીય કાવાદાવા શરૂ થઇ ગયા છે. ત્યારે ડેરીની ચૂંટણીની મતદાર યાદી તૈયાર કરવા બનાસડેરીને સંલગ્ન જિલ્લાની દૂધમંડળીઓ પાસે એક-એક સભ્યોને મતાધિકાર આપતા ઠરાવો મંગાવવામાં આવ્યા હતા. જેને લઇ ગ્રામિણ કક્ષાએ પણ દૂધમંડળીઓમાં ઠરાવ માટે ભારે રસાકસી થવા પામી હતી. ત્યારે અનેક દૂધ મંડળીઓમાં મત્તાધિકાર માટેના ઠરાવ માટે સર્વસંમતી ન સધાતાં દૂધમંડળીઓના સભ્યોના મત લેવાની ફરજ પડી હતી. જે ઠરાવની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાર યાદી તૈયાર કરી તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી હતી. ત્યારે સરકારે રાજ્યમાં ડેરીની ચૂંટણીમાં તાલુકા દીઠ એક ડિરેક્ટરની ચૂંટણી કરવા પરિપત્ર કર્યો છે.
જે પરિપત્ર મુજબ બનાસડેરીની પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાનારી હતી. પરંતુ જિલ્લાની ત્રણ દૂધ મંડળીઓ દ્વારા સરકારના આ પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો છે. હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં ડેરીના જુના પેટાનિયમ મુજબ ચૂંટણી યોજવા અપીલ કરાઇ છે.
ડેરીના પેટાનિયમમાં પાલનપુર તાલુકામાં ત્રણ ડિરેક્ટર, વડગામ તાલુકામાં બે ડિરેક્ટર, અન્ય તાલુકામાં એક-એક ડિરેક્ટર અને રાધનપુર-સાંતલપુરમાં એક ડિરેક્ટરનો સમાવેશ થાય છે. જેમાં જિલ્લાના નવરચિત ભાભર, અમીરગઢ અને દાંતીવાડા તાલુકાનો સમાવેશ થતો નથી. જેથી ડેરીના આ જૂના પેટાનિયમ મુજબ ચૂંટણી યોજાય તે માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે.
પરંતુ સરકારે કરેલા પરિપત્ર મુજબ દરેક તાલુકા દીઠ એક-એક ડિરેક્ટર માટે ચૂંટણી યોજાય તો બનાસડેરીની સત્તામાં ઉથલ-પાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે હવે જિલ્લા દિગ્ગજોની હાઇકોર્ટના ચૂકાદા તરફ મીટ
મંડાઇ છે.
વર્તમાન સત્તાધીશો જુના પેટાનિયમ મુજબ ચૂંટણી ઇચ્છી રહ્યા છે ?
ડેરીના વર્તમાન ચેરમેન અને તેમના સમર્થકો ચૂંટણી ડેરીના જુના પેટાનિયમ મુજબ થાય તેવું ઇચ્છી રહ્યા છે. ત્યારે વર્તમાન ચેરમેનની સામે ચૂંટણી લડવા ઇચ્છતી પરિવર્તન પેનલના અગ્રણીઓ સરકારના પરિપત્ર મુજબ ચૂંટણી યોજાય તેવું ઇચ્છી રહ્યા છે. તેવું જિલ્લાના સહકારીક્ષેત્રના તજજ્ઞો માની રહ્યા છે. જેથી હવે જિલ્લાના સર્વે નેતાઓ અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓની નજર હાઇકોર્ટના આદેશ તરફ મંડાઇ છે.