પાલનપુર તાલુકામાં ત્રણના બદલે એક જ ડિરેક્ટર માટે ચૂંટણી યોજાય તો ડેરીના ચેરમેન સામે પૂર્વ સાંસદ ચૂંટણી લડશે તેવી ગરમાગરમ ચર્ચા
બનાસ ડેરીની ચૂંટણી માટે જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે આ ચૂંટણી સરકારના પરિપત્ર મુજબ યોજાય તો પાલનપુર તાલુકામાંથી ત્રણના બદલે હવે એક જ ડિરેક્ટર ચૂંટાશે. આમ થાય તો પાલનપુર વિભાગમાંથી પરથીભાઇ ભટોળ અને તેમની હરીફમાં હરિભાઇ ચૌધરી ચૂંટણી લડે તેવું ચર્ચાઇ રહ્યું છે. જેથી આ બંને દિગ્ગજ વચ્ચે સીધી ફાઇટ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેથી આ ચૂંટણી એક પ્રતિષ્ઠાનો જંગ પણ બને તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. પરંતુ હાઇકોર્ટ આ અંગે શું આદેશ કરે છે તેની સૌ કોઇ રાહ જોઇ રહ્યું છે.
બનાસ ડેરીની ચૂંટણી માટે જિલ્લામાં રાજકીય ધમાસાણ મચ્યું છે. ડેરીની ચૂંટણી સરકારના પરિપત્ર મુજબ યોજી દરેક તાલુકા દીઠ એક- એક ડિરેક્ટરની ચૂંટણી કરવા તંત્રએ તૈયારી હાથ ધરી હતી. પરંતુ આ અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે અને ડેરીના જુના પેટાનિયમ મુજબ ચૂંટણી યોજાય તેવી અપીલ કરાઇ છે. જે પિટિશનની સુનાવણી હાથ ધરાનાર છે. પરંતુ હાઇકોર્ટ સરકારના પરપિત્રને માન્ય રાખે તો ડેરીની ચૂંટણી દિગ્ગજો માટે પ્રતિષ્ઠાનો જંગ બને તેવી
શક્યતા છે. આમ તો પાલનપુર વિભાગમાંથી ત્રણ ડિરેક્ટર ચૂંટાતા હતા. પરંતુ સરકારના પરપિત્ર મુજબ ચૂંટણી યોજાય તો એક જ ડિરેક્ટર ચૂંટાય. જેથી પાલનપુર વિભાગમાંથી પરથીભાઇ ભટોળ પોતાની ઉમેદવારી નોંધાવશે. પરંતુ તેમની સામે આ ચૂંટણીમાં પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરીએ ઝંપલાવવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળે છે. જેથી હાઇકોર્ટ સરકારના પરપિત્રને માન્ય રાખે તો આ બે વચ્ચે સીધી ફાઇટ થવાના એંધાણ છે. જેને લઇ રાજકીય ગરમાવો તેજ બની ગયો છે.