કડી, બહુચરાજીમાં સો ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો : ખેરાલુ, વડનગર તથા વિજાપુરમાં પ્રમાણમાં ઓછો વરસાદ
જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૨૯ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કડી, બેચરાજી ઉપર તો જાણે કે આ વર્ષે મેઘરાજા વધુ મહેરબાન બન્યા છે. આ બંને તાલુકાઓમાં સો ટકા કરતાં વધુ વરસાદ થયો છે જ્યારે ખેરાલુ, વડનગર તથા વિજાપુરમાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે.
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાએ કરેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આકાશમાં છેલ્લા બે દિવસથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે.
મહેસાણા, ઊંઝા, ખેરાલુ સહિતના પંથકમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૨૯ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષના સરેરાશ ૭૪૩ મીમી વરસાદની સાપેક્ષમાં ચાલુ વર્ષે અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ ૭૧૪ મીમી એટલે કે ૯૬ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ૬૫ ટકા કરતાં વધુ વરસાદ થયો છે.
જેમાં કડી તથા બેચરાજી પંથક પાણી પાણી થયા છે. કડીમાં ૧૩૭૬ મીમી તથા બેચરાજી તાલુકામાં ૧૦૩૭ મીમી પાણી વરસ્યું છે. ખેરાલુમાં ૪૯૩ મીમી, મહેસાણામાં ૬૭૪ મીમી, વડનગરમાં ૪૪૭ મીમી, વિજાપુરમાં ૫૬૫ મીમી, સતલાસણામાં ૬૦૦ મીમી તથા ઊંઝામાં ૫૯૦ મીમી પાણી પડ્યું છે.
ગત વર્ષોના સરેરાશ વરસાદની સાપેક્ષમાં આ વર્ષે બેચરાજીમાં સૌથી વધુ ૧૪૯ ટકા, કડીમાં ૧૪૪, ખેરાલુમાં ૬૭, મહેસાણામાં ૮૨, સતલાસણામાં ૯૪, ઊંઝામાં ૯૨ તથા વડનગર અને વિજાપુરમાં ૬૯ ટકા વરસાદ નોંધાયો છે.