સ્કૂટર સાથે અથડાયેલા સાઇકલચાલક છોકરાને ઠપકો આપતાં મારામારી : બાળકના પિતા સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ
શહેરના ચંદ્રપ્રભુ ફલેટના મુખ્ય ગેટ નજીક શુક્રવારે બપોરે સ્કૂટરની સામે અથડાયેલા છોકરાને ઠપકો આપવાના મામલે પાંચ શખ્સોએ ભેગા મળી મહેસાણા નગરપાલિકાના માજી મહિલા પ્રમુખતેમજ ભાજપના અગ્રણી એવા તેમના પતિને ઢોર માર મારતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે પાંચ શખ્સોની વિરુદ્ધમાં ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મહેસાણા નગરપાલિકાના માજી મહિલા પ્રમુખ અને હાલમાં શહેરની સાર્વજનિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા મનીષાબેન વ્યાસ તેમના પતિ ભાજપના અગ્રણી કૌશિકભાઇ વ્યાસ સાથે સ્કૂટર પર બેસીને શુક્રવાર બપોરે એક વાગ્યે શાળાએથી ઘરે જવા રવાના થયા હતા. ત્યારે તેમના ચંદ્રપ્રભુ ફલેટના દરવાજા પાસે સાઇકલ લઇને આવેલો એક છોકરો તેમના સ્કૂટર સાથે અથડાયો હતો. આથી આ દંપતીએ છોકરાને જોઇને સાઇકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં મામલો ગરમાયો હતો. જેમાં નજીકમાં આવેલ અશ્વમેઘ ફલેટમાં રહેતા છોકરાના પિતા કાનજીભાઇ દેસાઇ સહિત પાંચ વ્યક્તિઓ અહીં દોડી આવ્યા હતા અને આ બાબતે બોલાચાલી કરીને દંપતીને જમીન પર પટકી ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ બનાવના પગલે સ્થાનિક વ્યક્તિઓનું ટોળું એકત્રિત થઇ જતાં હુમલાખોરો ગાડીમાં બેસી ભાગી ગયા હતા. આ બનાવ બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ દંપતીના નિવેદનના આધારે બી ડિવજિન પોલીસે કાનજીભાઇ દેસાઇ સહિત પાંચ શખ્સોની વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.