છથી વધુ ગાડીમાં આવેલા શખ્સોનો સરપંચ સહિત ગ્રામજનો પર હુમલો : ૨૫ની ધરપકડ
રાધનપુરના મોટી પીંપળી ગામની આયર કોમની યુવતીને ભગાડી જવાના મુદ્દે ગુરુવારે વહેલી પરોઢિયે હાંડવી ગામમા છથી વધારે ગાડીઓમાં આવેલા શખ્સોએ ગોસ્વામી પરિવાર સહિત ગ્રામજનો પર સશસ્ત્ર હુમલો કરવાના બનાવે ભયનો માહોલ સર્જ્યો હતો.
ગામના મકાનોમાં તોડફોડ તેમજ પથ્થરમારા વચ્ચે પોતાના પરિવારની યુવતીને પરત લઈ જવાના પ્રયાસમાં ૨૫ શખ્સોની લાંઘણજ પોલીસે ધરપકડ કરી હતી.
ઊંઝા તાલુકાના વરવાડા ગામના શક્તિ ગોસ્વામી નામના યુવાનને રાધનપુર તાલુકાના મોટી પીંપળી ગામે રહેતી આયર કોમની યુવતી સાથે આંખ મળી જતા તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
તાજેતરમાં આ યુવાન યુવતીને ભગાડી જતા તેણીના પરિવારે તેઓની શોધખોળ આદરી હતી. આ દરમિયાન શક્તિ ગોસ્વામી તેના કાકીના પિયર મહેસાણા નજીક હાંડવી ગામે યુવતીને લઈને આવ્યો હતો.
જો કે, ગણતરીની મિનિટોમાં જ તેઓની શોધખોળ કરતા બુધવાર રાત્રે ગામમાં આવી પહોંચેલા શખ્સોએ યુવતીને પરત કરવાના મુદ્દે સમાધાન કર્યું હતું અને આ અનુસંધાને લેખિત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગુરુવારે વહેલી પરોઢિયે છથી વધારે ગાડીઓમાં ધસી આવેલા શખ્સોએ અત્રે રહેતા શંકરપુરી સોમપુરી બાવાને યુવતી સોંપવા અંગે વાત કરી પૂર્વ આયોજન મુજબ સશસ્ત્ર હુમલો કર્યો હતો.
ઉપરોક્ત બનાવના પગલે ઘરમાંથી બહાર દોડી આવેલા સરપંચ સહિત ગામજનોએ દરમિયાનગીરી કરતા હુમલાખોરોએ તેઓ પર પથ્થરમારો કરી ધારિયા, લાકડી, હોકી સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.
ભારે હોબાળા વચ્ચે જાન બચાવીને ઘરમાં ભરાયેલા વ્યક્તિઓને પણ ઢોર માર મરાતાં પ્રસરેલા ભારે રોષ વચ્ચે આવી પહોંચેલ લાંઘણજ પીએસઆઈ રાલેગાંવકર સહિત સ્ટાફના માણસોએ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.
જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની સિવિલમાં ખસેડ્યા હતા. ઘટના સ્થળેથી ઝડપાયેલા ૨૫ શખ્સ વિરુદ્ધમાં શંકરપુરી સોમપુરી બાવાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધાવ્યો છે.
ગોસ્વામી પરિવારની પુત્રવધૂ પર બળાત્કારનો પ્રયાસ
હુમલાખોરોએ ગામની કેટલીક મહિલાઓને ઉઠાવીને ગાડીમાં નાખવાનો પ્રયાસ કરતા જોઈ ગામજનોમાં ભારે રોષ પ્રસર્યો હતો. આ દરમિયાન ગોસ્વામી પરિવારની પુત્રવધુની ઈજ્જત પર કેટલાકે હાથ નાંખ્યો હતો. શારિરીક છેડછાડ કરનારા શખ્સોની ચુંગાલમાંથી માંડ બચેલી મહિલાના નિવદેનના આધારે લાંઘણજ પોલીસે ફરિયાદમાં ૩૫૪ કલમનો ઉમેરો કર્યો છે.
હુમલાખોરોના મારથી બચવા ભીખાપુરી ગોસ્વામી સહિતના પરિવારજનો નજીકમાં રહેતા ઠાકોરના મકાનમાં આશરો લેવા પ્રયાસ કર્યો હતો. જો કે, ઉશ્કેરાયેલા હુમલાખોરોએ મકાનનો દરવાજો તોડી ઘરમાં રહેલી ટીવી સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરી હતી. તેમજ સરપંચને પણ માર મારી ધમકીઓ આપવામાં આવી હતી.
લાંઘણજ પોલીસમથકની કસ્ટડી નાની પડી
યુવતીને ભગાડવાના મુદ્દે થયેલા શસસ્ત્ર હુમલા બાદ ધરપકડ કરાયેલા શખ્સોને રાખવા માટે લાંઘણજ પોલીસ સ્ટેશનની કસ્ટડી પણ નાની પડી હતી. હુમલાના બનાવના પગલે ગ્રામજનો પણ પોલીસ સ્ટેશન દોડી જતાં તંગદિલીનો માહોલ સજાર્યો હતો.