દ્વારકાથી શરૂ થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મશિનના કાર્યક્રમની પૂણૉહુતિ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે રવિવારે પૂર્ણ થઇ. ત્યારે ૩૬ દિવસના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઉપવાસ કાર્યક્રમમાં અંબાજી ખાતે ગ્રામ્ય વિસ્તાર સહિત રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા.જેમાં અંબાજીના જીએમડીસી મેદાન ખાતે વિશાળ શામિયાણામાં યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા.
મુખ્યમંત્રીને અભિવાદન પાઠવવા ઉમટેલી માનવમેદનીમાં કેટલાક લોકો ભાતીગળ ડ્રેસ પહેરીને આવ્યા હતા. તો કેટલાક કેસરી સાફા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા શામિયાણામાં કેસરીયો માહોલ છવાઇ ગયો હતો. ભરચક શામિયાણો જોઇને મોદી ગદગદીત થઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારમાંથી બસોમાં લવાયેલા લોકોએ ઢોલ-નગારાથી મોદીનું અભિવાદન કર્યું હતું.
તો કેટલાક લોકો ભગવાનના તેમજ સંતોના ફોટા, શિલ્પકૃતિઓ, ડ્રાયફુટસ અને ફુલહાર લઇને કતારબંધ અભિવાદન કરતા હતા. સ્ટેજ પાસે ભારે ભીડના કારણે મુખ્યમંત્રીએ પોતાની બેઠક પાસેથી નીચે આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદી સામે હસ્તધૂનન કરવા માટે રીતસર લોકોએ પડાપડી કરી હતી.
કન્યા કેળવણી માટે દાનની સરવાણી
પાલનપુર : મુખ્યમંત્રીના સદભાવના મશિનના સમાપન કાર્યક્રમ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાની અનેક સંસ્થાઓ, મંડળીઓ અને ટ્રસ્ટોએ મુખ્યમંત્રીના કન્યા કેળવણી ફંડમાં દાનની સરવાણી વહાવીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચેક અર્પણ કર્યા હતા.જેમાં મુખ્યત્વે જિલ્લાની દૂધ મંડળીઓ વતી બનાસડેરીના ચેરમેન પરથીભાઇ ભટોળે R ૩૧ લાખ, સુભાષ ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.૧ લાખ, પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા રૂ.ર લાખ, બનાસબેંક કર્મચારી મંડળ દ્વારા રૂ.૧,૧૧,૧૧૧, જિલ્લાની તમામ મંડળીઓ વતિ R ૧૬ લાખ અને બનાસકાંઠા પ્રા.શિ. મંડળ વતિ રૂ.૧ લાખ રપ હજાર ઉપરાંત અનેક સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન ચેકથી કન્યા કેળવણી ફંડમાં આપ્યું હતું. આ ઉપરાંત દાંતાના રાજવી પરિવારે પણ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યુંઁ હતું.