વનવિભાગના હેડકલાર્કનાં પત્ની વડીલોપાર્જીત મકાનના વેચાણ પેટે આવેલી રકમ અને દાગીના લઇ પાટણથી આવ્યા બાદ મત્તા ગુમ
પાટણથી જીપમાં બેસી મહેસાણા રાધનપુર ચાર રસ્તા ઉતરેલી મહિલાના હાથમાં રહેલ કપડાના થેલામાંથી રોકડ R ૪ લાખ તથા ૩૦ તોલાના સોનાના દાગીના મળી કુલ R ૮ લાખ ગૂમ થઈ જવા અંગે મહેસાણા શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.
નોંધનીય છે કે, રોકડ તથા દાગીના જીપ કે રિક્ષામાંથી ગૂમ થવા અંગે મહિલા અજાણ હોઈ પોલીસ વિસામણમાં મૂકાઈ છે.
મહેસાણાના વન વિભાગમાં હેડકલાર્ક તરીકે નોકરી કરતા ભરતભાઈ સોની અહીંના રામોસણા જકાતનાકા પાસે આવેલ વન વિભાગ વસાહતમાં રહે છે. મૂળ પાટણના ભરતભાઈ સોની ગત ૨૫ ઓગસ્ટના રોજ પત્ની સાથે પાટણ ગયા હતા અને અહીં રોકાયા હતા. ત્યારબાદ તાજેતરમાં તેઓ સવારે નોકરીના સ્થળે પહોંચવા સવારે વહેલા નીકળી ગયા હતા જ્યારે તેમની પત્ની હંસાબેન સાંજે છ વાગ્યે પાટણથી જીપમાં બેસી મહેસાણા આવ્યા હતા.
રાધનપુર ચાર રસ્તા ઉતર્યા બાદ હંસાબેન રિક્ષા કરીને શહેરના ગણપતિ મંદિરે આવ્યાં હતાં. અહીં કેટલાક અંતરે ચાલ્યા બાદ થેલામાં મૂકેલ રોકડ R ૪ લાખ તથા સોનાનું મંગળસૂત્ર, હીરા કંઠી, વિટિંઓ મળી ૩૦ તોલાના સોનાના દાગીના સહિત કુલ રૂ.૮ લાખની મત્તા ગુમ થયેલાં જણાતાં તેઓ ચોંકી ગયા હતા.
આ અંગે તેઓએ તાત્કાલીક તેમના પતિ ભરતભાઈને જાણ કરી હતી. પોતાના થેલામાં રહેલ મોટી રકમ તેમજ સોનાના દાગીના જીપ કે પછી રિક્ષામાંથી ગૂમ થવા અંગે મહિલા અજાણ હતા. આ અંગે હંસાબેન સોનીએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઈ છે.
મકાન વેચતાં ૪ લાખ ઉપજયા હતા
વતનમાં આવેલ વડિલોપાર્જીત મકાનમાં કોઈ રહેતું ન હોવાથી ભરતભાઈએ આ મકાન વેચ્યું હતું અને તે પેટે આવેલા R ૪ લાખ પત્નીને મહેસાણા સાથે લઈ આવવા સોંપ્યા હતા.