જેક વડે શટર ઊંચુ કરી તસ્કરો અંદર ઘૂસી દાગીના તફડાવી ગયા
વિજાપુર શહેરમાં ખત્રીકૂવા પાસે આવેલા ઉમિયા જવેલર્સનું ગુરુવારે રાત્રિના સમયે તસ્કરોએ શટર ઊંચું કરી અંદર ઘૂસી ચાંદીના દાગીના કિંમત R ૪૮૦૦૦ના ચોરી કરી નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદ નોંધાતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.
વિજાપુર શહેરની શ્રીરામ સોસાયટીમાં મકાન નં. ૬૯માં રહેતા પટેલ અંબાલાલ શંકરલાલ ગુરુવારે નિત્યક્રમ મુજબ તેમની ખત્રીકુવા પાસે આવેલા સુપર માર્કેટમાં ઉમિયા જવેલર્સની દુકાનમાં ગયા હતા અને સાંજે તે દુકાન વધાવીને ઘરે ગયા હતા. ત્યારે રાત્રિના સમયે તસ્કરોએ જેક જેવા સાધન વડે શટર ઊંચુ કરી અંદર પ્રવેશ કરી તેમાં ચાંદીના શેરો, વીંટી, વેટલા, ગુલર, બેસ્લેટ જેવી વસ્તુઓની ચોરી કરી લઈ પલાયન થઈ ગયા હતા.
શુક્રવારે સવારે તેઓ દુકાન ખોલવા માટે આવતાં દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. વિજાપુર પોલીસને ચોરી અંગે જાણ કરતાં પીઆઈ આર.પી. ઝાલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને એફએસએલ, ડૉ.ગસ્કવોડની મદદથી ચોરીનું પગેરું શોધવાનો પ્રયન્ત કર્યા છે. શહેરમાં ચોરીના દિન પ્રતિદિન વધતા બનાવોને લઈ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી માંગણી શહેરીજનોમાં ઉઠી છે.