સ્વર્ણિમ ગુજરાત વર્ષની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત દ્વારા ૧૩મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી R ૧.૯૦ કરોડનો ખર્ચ કરાશે
ગ્રામીણ વિસ્તારના લોકોને ઊર્જાશક્તિનું મહત્વ સમજાય અને લોકો સૌર ઊર્જાને જાણતા થાય તે માટે પાટણ જિલ્લાનાં ૪૬૪ ગામોમાં સોલાર સ્ટ્રીટલાઇટના અજવાળા રેલાવવા દરેક ગામમાં બે કે તેથી વધુ સોલાર સ્ટ્રીટ લાઇટો ગોઠવવાનું આયોજન કરાયું છે. સોલાર સ્ટ્રીટલાઇટ પાછળ R ૧,૯૦,૫૬,૦૦૦નો ખર્ચ કરવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યની સ્થાપનાને પ૦ વર્ષ સ્વર્ણિમ ગુજરાત વર્ષની ઉજવણીનું સમાપન થઇ રહ્યું છે. ત્યારે પાટણ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ ઊર્જાશક્તિ થીમ પર ભાર મૂકીને લોકોમાં ઊર્જા શક્તિની જનજાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ત્યારે જિલ્લામાં છેવાડાના માનવી અને જનજન સુધી ઊર્જાશક્તિનો સંદેશ પહોંચે અને લોકો સૌથી ઊર્જાને જાણતા થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલના માર્ગદર્શન નીચે ૧૩મા નાણાપંચ યોજના અંતર્ગત ૪૬૪ ગામોમાં ૭૯૪ સોલાર સ્ટ્રીટલાઇટના અજવાળાથી ઝળહળતાં કરવાનું આયોજન કરાયું છે. જેમાં દરેક ગામમાં બેકે તેથી વધુ સોલાર સ્ટ્રીટલાઇટ ગોઠવવાનું નક્કી કરાયું છે. ૪૬૪ ગામોમાં R ૧,૯૦,૫૬,૦૦૦ના ખર્ચે સોલાર સ્ટ્રીટલાઇટ ફીટ કરાશે.
એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવા તૈયારી
આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ પટેલ તેમજ નાયબ ડીડીઓ એસ.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, દરેક ગામમાં સોલાર સ્ટ્રીટલાઇટ ફીટ કરવાથી અંતરિયાળ વિસ્તારનો માણસ પણ સૌર ઊર્જાશક્તિની અનુભૂતિ કરી શકશે. જ્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો બાળકોને ઊર્જાશક્તિ અંગે માત્ર પુસ્તકિયું જ નહીં, પરંતુ ગામમાં ઉભેલી સોલાર સ્ટ્રીટલાઇટ મારફતે પ્રેકટીકલ જ્ઞાન પણ આપી શકશે તેમજ ગામમાં સોલાર સ્ટ્રીટલાઇટથી અજવાળાં પથરાશે. આ કામગીરી એક વર્ષમાં પૂરી કરી દેવામાં આવશે.