વિજાપુર નજીક આવેલા લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં રૂ.૧૮ કરોડના ખર્ચ નવિન ચેકડેમ બનાવાશે. જેનાથી સિંચાઈ માટે પાણીના તળ ઊંચા આવવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે એમ શનિવારે રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ લાકરોડા ચેકડેમની મુલાકાત દરમિયાન ખેડૂતોને જણાવ્યું હતું.
વિજાપુર તાલુકાના ૧૬ ગામના ખેડૂતો દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરાઇ હતી કે, સાબરમતી નદી ઉપર લાકરોડા પાસે બનાવેલ ચેકડેમ જર્જરીત હાલતમાં હોવાથી પાણીના તળ નીચા જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ રજુઆતને પગલે શનિવારે રાજ્ય શહેરી વિકાસ મંત્રી નીતિનભાઈ પટેલે વિજાપુર પાસે આવેલા લાકરોડાના ચેકડેમની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, જર્જરીત ચેકડેમને R ૧૮ કરોડના ખર્ચ નવિન ચેકડેમ બનાવવામાં આવશે.
સાબરમતી નદીમાં વહી જતું પાણી અહીં ચેકડેમ બનાવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના પાણીના ઊંડાણમાં ગયેલા તળ ઉંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. જ્યારે ચેકડેમમાં પાણી ભરાતા તે પાણી રણછોડપુરાથી ભાણપુર જતી પાણીની કેનાલમાં પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે જેને લઈ ખેડૂતોને ખેતીનો મોટો ફાયદો થશે એમ જણાવતા હાજર ખેડૂત વર્ગમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નીતિનભાઈ પટેલ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, યુવા ભાજપ વિજાપુર તાલુકા ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અતુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.