અમદાવાદથી રાજસ્થાન તરફ આવતી એક ગાડીમાં ચાંદી સહિત શંકાસ્પદ ચીજવસ્તુઓ લાવવામાં આવતી હોવાની બાતમીના આધારે સાબરકાંઠા એલસીબીએ સોમવારે રાત્રે પ્રાંતજિ નજીક કતપુર ટોલટેકસ પર વોચ ગોઠવી ૨૦.૯૮૫ કિ.ગ્રા. ચાંદી અને ૪૧૦ ગ્રામ સોનું મળી આવ્યુ હતું. પોલીસે આ મામલે ગાડીના ડ્રાઇવર તથા કલીનરની ધરપકડ કરી પ્રાંતજિ પોલીસને હવાલે કરી જીપ સાથે રૂપિયા ૨૮.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલસીબી પીઆઇ ડી.પી.ચુડાસમાને બાતમી મળી હતી કે અમદાવાદથી રાજસ્થાન તરફ ક્રુઝર ગાડી નં. આરજે૧૨-ટીએ-૭૧૮માં ચાંદી તથા શંકાસ્પદ વસ્તુ ભરીને આવનાર છે. જિલ્લા પોલીસ વડા ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ ડી.એમ.ઢોલ તથા સ્ટાફે સોમવારે રાત્રે કતપુર ટોલટેકસ પર વોચ ગોઠવી હતી. અંદાજે ૯-૩૦ કલાકે ગાડી આવતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. જેમાં ગાડીના ચાલકે પોતાનું નામ ઇમરાન અહેમદ ઇસરાર અહેમદ શેખ (રહે. ચમનપુરા ઘાંટી, જિ. ડુંગરપુર) તથા કલીનરે પોતાની ઓળખ અમજદખાન બાદખાન પઠાણ (રહે. લાલપુરા મહોલ્લા, ડુંગરપુર) હોવાની આપી હતી.
પોલીસે ગાડીની તપાસ કરતા પાછળની સીટ નીચે લોખંડની પેટી મળી આવી હતી. તેને ખોલીને જોતા અંદરથી સેલોટેપથી વિંટળાયેલા નાના-મોટા કુલ ૧૨ પાર્સલ મળી આવ્યા હતા. આ ઉપરાંત ડ્રાઇવરની સીટ પાસેના થેલામાંથી પણ એક પાર્સલ મળી આવ્યુ હતું. આ તમામ પાર્સલમાંથી R ૧૧,૫૪,૭૨૫ની કિંમતની ૨૦.૯૮૫ કિ.ગ્રા. ચાંદી તથા રૂપિયા ૧૧.૦૭ લાખની કિંમતના સોનાના દાગીના, સિકકા તેમજ નાના ટુકડા મળી આવ્યા હતા.
આ મુદ્દામાલ વિશે પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી એલસીબીએ ઇમરાન એહમદ શેખ તથા અમજદખાન પઠાણ વિરુદ્ધ પ્રાંતજિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.