પાંથાવાડા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઇના ભાયંદર પશ્ચિમ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ પંચરત્ન જવેલર્સમાં છેલ્લા અઢી વર્ષથી નોકરી કરતા દાંતીવાડા ના ઓઢવા ગામના હરેશ (હરશન) રૂપાજી દેવાસીએ દુકાન માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો. અને તેને દુકાન બંધ કરતાં પહેલાં કલોઝીંગ સ્ટોક તપાસવાનું કામ સોંપાયું હતું. તે અરસામાં દુકાન માલીકના છોકરાના લગ્ન હોઇ ઘરકામમાં વ્યસ્ત હતા. દરમિયાન ૨૯ એપ્રિલે દુકાન બંધ કરતા પહેલાં હરેશે કલોઝીંગ સ્ટોક તપાસ્યો હતો અને રૂ.૧૫,૭૨,૦૦૦ ના દાગીના લોકરમાં મુકવાને બદલે દાગીના લઇ ફરાર થઇ ગયો હતો.
બીજા દિવસે દુકાને ન આવતાં માલીકે સ્ટોક તપાસતાં દાગીના ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી દુકાન માલીકે હરચંદનો મોબાઇલ દ્વારા સંપર્ક કરતાં તેનો સંપર્ક થયો ન હતો. જેથી દુકાનમાલીક ભંવરલાલ મહેતાએ તેના વિરુદ્ધ ભાયંદર (મુંબઇ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે છેલ્લા દશેક મહિનાથી ફરાર હોઇ ભાયંદર પોલીસ સ્ટેશન ગ્રામીણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મુંબઇના આસીસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર વાય.એન. સોલસેએ ગુરુવારે ટીમ સાથે પાંથાવાડા પંથકમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ હાથ ધરી છે.