કામલપુર (ખ)ના અસ્થિર મગજના યુવાને શુક્રવારે સાંજે કેનાલમાં ઝંપલાવ્યું હતું : અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમે લાશ શોધી કાઢી
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
દેવરાસણ ગામ નજીક પુલ પાસેથી સુજલામ્-સુફલામ્ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરનારા કામલપુર(ખ) ગામના ઠાકોર યુવાનની લાશ શનિવારે સવારે મળી આવતાં તાલુકા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના દેવરાસણ ગામ નજીક મહેસાણા-વિજાપુર રોડ પર સુઝલામ્-સુફલામ્ કેનાલના પુલ પાસેથી કામલપુર (ખ)ના ઠાકોર પ્રકાશજી પ્રતાપજી (ઉં.વ.૨૩)એ શુક્રવારે સાંજે સાડા પાંચેક વાગ્યે કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ બાબતની જાણ થતાં જ દેવરાસણ તથા કામલપુરના ગ્રામજનો તેમજ મહેસાણા તાલુકા પોલીસ તથા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મોડી સાંજ સુધી કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાઓની મદદથી હાથ ધરેલી કલાકોની શોધખોળના અંતે યુવકની કોઈ ભાળ મળી નહોતી અને અંધારું થઈ જતાં કામગીરી બંધ કરવી પડી હતી.
શનિવારે વહેલી સવારથી અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ ફરીથી કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરતાં સાડા આઠેક વાગ્યે પ્રકાશજીની લાશ મળી આવતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. પીએસઆઈ આઈ.જે.કલાસવાએ મૃતકની લાશનું પીએમ કરાવી તેના પિતરાઈ ભાઈ ભરતસિંહના નિવેદનના આધારે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, મૃતક પાંચેક વર્ષથી માનસિક બિમારીથી પિડાતો હતો અને અવાર-નવાર ઘરેથી ક્યાંક નિકળી જતો હતો. શુક્રવારે બપોરે પણ તે ઘરેથી નીકળી ગયો હતો અને સાંજે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું પરિવારજનોના નિવેદનમાં જણાવાયું છે.