૭૫૦ લારી અને પ૦ પાથરણાંવાળાં પાસેથી સફાઇ ચાર્જ વસુલાયો
પાલિકાને ત્રણ વર્ષમાં ૧.૨૫ લાખ જ્યારે એક માસમાં ૧.૭૦ લાખની આવક થઇ
પાટણ શહેરના બજારમાં સફાઇ નિયમન ન જાળવી ગંદકી કરનારાઓ પાસેથી વહીવટી ચાર્જની વસુલાતમાં પાલિકા તંત્રને છેલ્લા ત્રણ વર્ષમાં જે આવક થઇ છે તેના કરતાં દોઢ ગણી આવક માત્ર જાન્યુઆરી મહિનામાં જ ૭૫૦ જેટલા લારી, ગલ્લા અને પાથરણાવાળા પાસેથી થવા પામી છે. જોકે, પહેલા ગંદકી મામલે R પ૦ વહીવટી ચાર્જ લેવાતો હતો. પરંતુ હવે નિયત જગ્યા માટે ચાર્જ નક્કી કરાયો છે.
શહેરના બજાર વિસ્તારમાં સ્વચ્છતા જળવાય, સફાઇ બાદ ગંદકી ન થાય, કચરો દુકાન, લારીની આસપાસના બદલે ડસ્ટબીનમાં નંખાય અને આવા નિયમનો ભંગ કરનાર દુકાનદાર કે પાથરણાવાળા નગરપાલિકા તંત્રની ઝપટે ચઢી જાય તો વહીવટીચાર્જ પેટે R પ૦ની પાવતી આપીને વસુલાત કરવામાં આવતી હતી. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સફાઇ નિયમન માટે નગરપાલિકાના વોર્ડ ઇન્સપેકટરો દ્વારા વહીવટીચાર્જ ફટકાવવામાં આવતો હતો. અત્યાર સુધી વહીવટીચાર્જ પેટે પાલિકાની સ્વચ્છતા શાખામાં કુલ R ૧૦૨૯૦૦ની આવક નોંધાઇ છે.
જોકે, ત્યારબાદ નગરપાલિકા તંત્રએ શહેરમાં લારી ગલ્લા અને પાથરણા પાથરીને વ્યવસાય કરતાં લોકોને ટ્રાફિકમાં અડચણ ન થાય, તેમને અન્યોની કનડગત ન થાય તેમજ નિયત જગ્યાએ ચીજવસ્તુ વેચાણનો વ્યવસાય કરી શકે તે માટે નિયત સ્થળના બિલ્લા બનાવી આપવાનું નક્કી કરાયું હતું. જેમાં લારીધારક પાસેથી માસિક R ૩૦૦ અને પાથરણાવાળા પાસેથી માસિક R ૧૫૦ વહીવટીચાર્જ વસુલવાનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે પ જાન્યુઆરીથી ર ફેબ્રુઆરી દરમિયાન ઘીવટા, સાલવીવાડા,રાજકાવાડા, નાગરવાડો, ગુંગડી અને રેલવે એમ છ વોર્ડ વિસ્તારના વોર્ડ ઇન્સપેકટરો દ્વારા અંદાજે ૭૫૦ લારી અને અંદાજે પ૦ જેટલા પાથરણાવાળા પાસેથી કુલ R ૧૭૦૦૦૦ સફાઇ વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.
આમ વહીવટીચાર્જ પેટે પાલિકા તંત્રએ છેલ્લા ત્રણ વર્ષમાં જેટલી આવક મેળવી નહોતી. તેના કરતાં વધુ આવક એક મહિનામાં મેળવી હતી. જોકે, ગરીબો પર તોતિંગ વહીવટી ચાર્જનો વિરોધ થતાં તેમાં ઘટાડો કરવાનું પાલિકાની કારોબારી સમિતિમાં નક્કી કરાયું છે. જેનો નિર્ણય સામાન્ય સભામાં લેવાશે.