ભારત સામેની મેચમાં વેસ્ટ ઇન્ડીઝની બેટિંગ પરંપરાગત રમત મુજબની રહી હતી. ધીમી પિચ પર ભારતીય સ્પિનર્સનો મુકાબલો રક્ષાત્મક રીતે કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ભારતીય બોલર્સ વિન્ડીઝના બેટ્સમેનો પર હાવી થતાં જોવા મળ્યા હતા અને યજમાન ટીમનો સ્કોર ત્રણ વિકેટે ૫૯ રનનો થયો હતો.
ત્યારબાદ માર્લોન સેમ્યુઅલ્સે ધીમી પિચ પર શાનદાર બેટિંગ કરી હતી અને ટી૨૦ મેચની જેમ સતત સારો દેખાવ કર્યો હતો. ભારત પણ પોતાની ક્ષમતા મુજબ રમવામાં નિષ્ફળ રહ્યું હોવા છતાં તેની તાકાતમાં ઊણપ દેખાઇ નહોતી. રોહિત શર્માએ સર્વોચ્ચ સ્તરે પોતાની ક્ષમતાનો પરિચય આપી દીધો હતો. ભારતીયો માટે સારી બાબત એ છે કે તેમની યુવાન ટીમ શ્રેણીમાં સફળતા મેળવીને આગળ વધી રહી છે.
ભારત પાસે વિરાટ કોહલી તથા યુસુફ પઠાણ જેવા સારા બેટ્સમેન છે. ભારતીય બોલિંગ પણ બેલેન્સવાળી છે. લેગ સ્પિનર અમિત મિશ્રાએ પ્રભાવશાળી બોલિંગ કરી હતી અને સિનિયર સ્પિનરને મજબૂત સમર્થન પૂરું પાડ્યું હતું. (ગેમપ્લાન)