ઓસ્ટ્રેલિયન સુકાની માઈકલ ક્લાર્કે કહ્યું છે કે ત્રિકોણીય વનડે શ્રેણીમાં (કોમનવેલ્થ બેંક શ્રેણી) તેની ટીમ જીતવા માટે ફેવરિટ છે. આ શ્રેણીમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમો ભાગ લેશે. જેની શરૂઆત રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચથી થશે.
હાલમાં ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણીમાં 0-4થી પરાજય આપ્યા બાદ ક્લાર્કનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. ક્લાર્કને જ્યારથી ઓસ્ટ્રેલિયન ટીમનો નિયમિત સુકાની બનાવવામાં આવ્યો છે ત્યારથી ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણ વનડે શ્રેણી જીતી છે જેમાં તમામ શ્રેણીમાં તેને જીત મળી છે. તેવામાં ક્લાર્ક પોતાનો આ વિજયરથ આગળ ધપાવવા ઈચ્છશે.
ક્લાર્કે કહ્યું છે કે રેન્કિંગમાં અમે વિશ્વની ટોચની ટીમ છીએ. માટે મને લાગે છે કે અમે ફેવરિટ છીએ. અમારે બન્ને ટીમો વિરૂદ્ધ જીત મેળવવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ક્લાર્ક જાણે છે કે ભારત વર્લ્ડ ચેમ્પિયન્સ છે અને શ્રીલંકા વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું હતું.