- ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર રહી ચૂક્યો છે જાફર
- જાફરની આગેવાનીમાં બે વખત મુંબઈ ચેમ્પિયન બન્યું છે
ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસિમ જાફરે મુંબઈ રણજી ટીમના સુકાની પદેથી રાજીનામુ આપી દીધું છે. જાફર પોતાની બેટિંગ પર ધ્યાન આપવા ઈચ્છે છે અને તેના કારણે તેણે આ નિર્ણય લીધો છે.
છેલ્લી ચાર સિઝનથી જાફર મુંબઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને તેના નેતૃત્વમાં મુંબઈએ 2008-09 અને 2009-10માં જીત મેળવી હતી. જો કે આ સિઝનમાં મુંબઈ ટીમ સેમિફાઈનલમાં તામિલનાડુ સામે હારી જતા તે ફાઈનલમાં પહોંચી શકી નહોતી.
હું મારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છું છું. મારા માટે રણજી ટ્રોફીની આ સિઝન સારી નહોતી રહી અને મારા માટે સુકાની પદ કરતા બેટિંગ વધારે મહત્વની છે, તેમ જાફરે કહ્યું હતું. જાફરને આ સિઝનમાં બેટિંગમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે નવ મેચમાં 406 રન બનાવ્યા હતા અને 12 ઈનિંગ્સમાં ફક્ત એક જ સદી ફટકારી હતી.
જ્યારે તમે સુકાની હોવ છો ત્યારે તમારે ઉદાહરણરૂપ રીતે ટીમનું નેતૃત્વ કરવાનું હોય છે અને આ વાત વધારે મહત્વની હોય છે. સુકાની શબ્દ સાંભળવામાં ઘણો સારો લાગે છે પરંતુ ટીમનું નેતૃત્વ કરવામાં ઘણું બધુ દબાણ હોય છે. જો ટીમ સારૂ ના કરે તો કેપ્ટન હંમેશા બલિનો બકરો બને છે. જ્યારે તમે રન નથી બનાવતા તો ઘણું ખરાબ લાગે છે, તેમ જાફરે જણાવ્યું હતું.