- કંબલે દસ વિકેટ લઈ શકે નહીં તે માટે અકરમે રનઆઉટ થવાની યોજના ઘડી હતી પણ.....- અકરમ-વકાર પણ કુંબલેને વર્લ્ડ રેકોર્ડથી વંચિત રાખવા માગતા હતા
શ્રીલંકન ઓફ સ્પિનર સૂરજ રણદિવે ત્રિકોણીય વન-ડે શ્રેણીની મેચમાં વીરેન્દ્ર સેહવાગ સદી પૂરી કરી શકે નહીં તે માટે જાણી જોઇને નોબોલ ફેંકયો હતો. આ ઘટના બાદ ક્રિકેટ જગતમાં આવી ખેલદિલી વિહોણી ઘણી બધી ઘટના યાદ આવી ગઈ.
જોકે વસિમ અકરમે ખેલદિલી વિહોણી યોજના ઘડી હતી અને તેમાં તેને કામયાબી નહીં મળતા અંતે તેણે ખેલદિલી દાખવી હતી. વાત કાંઈક આમ હતી.૧૯૯૯ના ફેબ્રુઆરીની સાતમીએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષો પછી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. વડાપ્રધાન અટલબિહારી વાજપાયી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ શાંતિમંત્રણા માટે મળે તેના એકાદ સપ્તાહ અગાઉનો આ પ્રસંગ છે.
મેચના છેલ્લા દિવસે લેગસ્પિનર અનિલ કુંબલે ત્રાટકયો હતો અને એક પછી એક એમ પાકિસ્તાનની વિકેટ પોતાના ખાતામાં જમા કરી રહ્યો હતો. એક તબક્કો એવો આવ્યો જ્યારે કુંબલે નવ વિકેટ ખેરવી ચૂકયો હતો. એ દિવસ સુધી માત્ર જીમ લેકર (ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, માંચેસ્ટર, ૧૯૫૬) જ એક ઇનિંગ્સમાં દસેદસ વિકેટ ખેરવવાની સિદ્ધિ ધરાવતા હતા. હવે આ યાદીમાં કુંબલેનું નામ ઉમેરાવાની તૈયારી હતી ત્યારે અકરમ ક્રિકેટની આ રમત ખેલદિલી માટે જાણીતી છે એ વાત ભૂલી ગયો અને તેણે ૧૧મા ક્રમે રમવા આવેલા વકાર યુનુસને સૂચના આપી દીધી કે હવે આપણા બેમાંથી એકે રનઆઉટ થઈ જવાનું છે.
વસિમ અકરમ અને વકાર યુનુસ બંને પાકિસ્તાનના સર્વકાલીન મહાન બોલરની હરોળમાં આવે છે અને તેઓ ક્યારેય ઇનિંગ્સમાં દસ વિકેટ ખેરવી શક્યા ન હતા. આમ એક બોલર તરીકે સ્વાભાવિકપણે જ તેઓ કુંબલેની સિદ્ધિની ઇષ્ર્યા કરે જ. એમાંય કુંબલે પાછો ભારતીય બોલર અને પોતાના કટ્ટર હરીફ દેશનો બોલર પાકિસ્તાન સામે દસ વિકેટ ખેરવી જાય તે તેમને પસંદ ના હોય.
વસિમ અકરમ તો પાછો પાકિસ્તાની ટીમનો સુકાની હતો એટલે તેના આદેશને વકાર યુનુસે માનવો જ રહ્યો. પાકિસ્તાનનો સ્કો નવ વિકેટે ૧૯૮ હતો અને તેઓ ૪૨૦ રનનો લક્ષ્યાંક કોઈ સંજોગોમાં વટાવી શકે તેમ હતા જ નહીં તેમ છતાં અકરમે રનઆઉટ થવાનો પ્રયાસ કરવામાં ત્રણ-ચાર ઓવર જેમ તેમ કરીને પસાર કરી દીધી પરંતુ અંતે વકાર તો રનઆઉટ થયો નહીં પણ ખુદ અકરમ જ અનિલ કુંબલેનો દસમો શિકાર બની ગયો અને ભારતીય લેગસ્પિનરે ઈતિહાસ રચી દીધો. કુંબલેએ ૭૪ રન આપીને દસ વિકેટ ઝડપી હતી.
એ પછી તો ભારતીય ટીમના બાકીના સદસ્યો, કોચ અંશુમન ગાયકવાડ અને અન્ય અધિકારીઓ મેદાન પર દોડી ગયા અને કુંબલેને ઘેરી વળ્યા એ ર્દશ્ય આજે પણ યાદ છે પરંતુ મેચ પછીની પત્રકાર પરિષદમાં અચાનક જ અકરમને ખેલદિલી સૂઝી ગઈ.
પત્રકારો સમક્ષ વસિમ અકરમે કબૂલાત કરી દીધી કે અમે રનઆઉટ થઈને કુંબલેને દસ વિકેટથી વિંચત રાખવા માગતા હતા પરંતુ અમારી યોજના કુંબલેએ જ ઉંધી વાળી દીધી. આજે એ જ અકરમ ટીવી કોમેન્ટેટર તરીકે જ્યારે પણ ચર્ચા નીકળે ત્યારે અનિલ કુંબલેના વખાણ કરતા થાકતો નથી અને એક એશિયન બોલરે આ સિદ્ધિ મેળવી છે તેમ કહીને કુંબલેની પ્રશંસા કરવાની સાથે સાથે પોતે પણ ગર્વ અનુભવે છે પરંતુ ધારોકે એ દિવસે અકરમ કે વકાર જાણી જોઇને રનઆઉટ થયા હોત તો એ જ એશિયન ક્રિકેટપ્રેમીઓ આજે પણ અકરમને માફ કરતા હોત.